મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ અપેક્ષા પ્રમાણે જ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ સતત બીજી બેઠકમાં રેપો રેટ ૫.૨૫ ટકા જાળવી રાખ્યો છે. એમપીસીના દરેક સભ્યોએ સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો.
ક્રુડ તેલના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષના ફુગાવાના પોતાના અંદાજમાં રિઝર્વ બેન્કે વધારો કર્યો છે જ્યારે મધ્ય પૂર્વના યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી આર્થિક વિકાસ દર (જીડીપી)નો અંદાજ ઘટાડયો છે. રેપો રેટ યથાવત રખાતા રહેઠાણ સહિતની લોન પરના ધિરાણ દર તથા ઈએમઆઈમાં વધારો હાલમાં નહીં થાય તેવી અપેક્ષા છે.
છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ઊર્જા પૂરવઠા ખોરવાઈ જવા સાથોસાથ તેના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે જેને પગલે ભારત જેવા આયાત પર નિર્ભર દેશ સામે રાજકોષિય તથા ફુગાવાજન્ય દબાણ ઊભુ થયું છે.
ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસીના નિર્ણયની જાહેરાત કરતા રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રેપો રેટ ૫.૨૫ ટકા જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે અને પોલિસી સ્ટાન્સ પણ ન્યુટ્રલ જાળવી રખાયું છે.
એપ્રિલમાં ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટની નજીક પહોંચી ૩.૪૮ ટકા રહ્યો છે અને તેમાં વધારો થવાનું પણ જોખમ રહેલું છે. અલ નિનોની અસરને પગલે વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહેવાની ધારણાં તથા ક્રુડ તેલના ભાવમાં ઉછાળાથી ફુગાવો વધવાની શકયતા રહેલી છે.
આ ઉપરાંત રૂપિયા પર આવેલા દબાણને કારણે રાજકોષિય ખાધ તાણ હેઠળ આવવાની પણ ચિંતા રહેલી છે. આ હકીકતને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના ફુગાવાનો અંદાજ ૪.૬૦ ટકા પરથી વધારી ૫.૧૦ ટકા કરાયો છે.
દરમિયાન પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ઊભી થયેલી પૂરવઠા ખલેલ, ઊર્જા તથા કોમોડિટીના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષના આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ જે એપ્રિલમાં ૬.૯૦ ટકા મુકાયો હતો તે ઘટાડી ૬.૬૦ ટકા કરાયો હોવાનું પણ એમપીસીની બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું.
વૈશ્વિક પૂરવઠા સાંકળમાં લાંબા ગાળાની ખલેલ, વૈશ્વિક નાણાંકીય બજારોમાં વોલેટિલિટી તથા હવામાનને લગતા આંચકાથી દેશના ગ્રોથ આઉટલુક સામે ઘટાડા તરફી જોખમ રહેલું છે.
દેશના ઉત્પાદન, સેવા, માગ તથા નિકાસ જેવા હાઈ ફ્રીકવન્સી ઈન્ડિકેટરો સૂચવે છે કે ઘરઆંગણે આર્થિક પ્રવૃત્તિ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હાલમાં સ્થિર છે, પરંતુ આગળ જતા ઊર્જા તથા કાચા માલના ભાવ તથા પૂરવઠા ખલેલ દેશની આર્થિક પ્રવૃત્તિ પર અસર કરી શકે છે, તેમ પણ ગવર્નરે વધુમા ંજણાવ્યું હતું. જો કે યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે, તેના પર સ્થિતિ નિર્ભર રહેશે.
આરબીઆઈની પોલિસીના મુખ્ય મુદ્દા
* બેન્ચમાર્ક ધિરાણ દર ૫.૨૫ ટકા જાળવી રખાયો
* વર્તમાન નાણા ંવર્ષ માટે ફુગાવાનો અંદાજ ૪.૬૦ ટકા પરથી વધારી ૫.૧૦ ટકા કરાયો
* યુદ્ધની અસરને પગલે જીડીપી ધારણાં ૬.૯૦ ટકા પરથી ઘટાડી ૬.૬૦ ટકા કરાઈ
*દેશમાં વિદેશી મૂડી આકર્ષવા વિવિધ પગલાં જાહેર કરાયા
*૨૯મીમેના સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ ૬૮૨.૩૦ અબજ ડોલર


