મુંબઈ, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે ફેબુ્રઆરીમાં આર્થિક વિકાસ મંદ પડયાનું જોયું હતું જેને કારણે તેણે વ્યાજ દરમાં તુરંત જ કપાત કર્યો હતો પરંતુ જ્યારે રેટ દર જાળવી રાખ્યા ત્યારે બજારને શા માટે આશ્ચર્ય થયું તે પોતે સમજી શકે એમ નથી.
દેશના અર્થતંત્ર બાબતે માહિતગાર અને ઉદ્દેશ્ય ચર્ચાની આવશ્યકતા પર ભાર આપતા તેમણે જણાવ્યું હતું કે, આર્થિક મંદી તથા ફુગાવામાં વધારાને પહોંચી વળવા રિઝર્વ બેન્ક દરેક જરૃરી પગલાં હાથ ધરશે.
આ ઉપરાંત બેન્કો તથા નોન-બેન્ક ધિરાણદારોની તંદૂરસ્તીની ખાતરી રાખવા પણ દરેક પગલાં લેવાશે. ચીન તથા અમેરિકા વચ્ચે ટેરિફના મુદ્દે થયેલી સંધિ લાંબી ચાલશે અને વૈશ્વિક વિકાસ વધારવા તરફના પ્રયાસો હાથ ધરાશે એવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી હતી.
વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં રિઝર્વે બેન્કે રેપો રેટમાં ૧૩૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આરબીઆઈ તથા સરકાર બન્નેએ સમય પહેલા જ પગલાં હાથ ધર્યા છે.


