Business

વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા

By GS Team
21 May 20261 min read
વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૬-૨૭માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ૫.૨૫ ટકા રેપો રેટ જાળવી રાખશે અને તેમાં કોઈ વધઘટ થવાની શકયતા જણાતી નથી એમ ઈન્ડિયા રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

ક્રુડ તેલના ભાવમાં વધારો છતાં ફુગાવો રિઝર્વ બેન્કની નિશ્ચિત મર્યાદાની અંદર રહેશે . વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવો ૪.૪૦ ટકા અને દેશનો આર્થિક વિકાસ દર ૬.૭૦ ટકા રહેવા એજન્સીએ ધારણાં મૂકી છે.

વર્તમાન વર્ષમાં ફુગાવો વધશે તો પણ તે રિઝર્વ બેન્કની છ ટકાના મહત્તમ ટાર્ગેટની અંદર રહેશે અને માટે જ વ્યાજ દરમાં વધારો કે ઘટાડો થવાની શકયતા જોવાતી નથી એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. 

પશ્ચિમ એશિયા સંઘર્ષની અસર  વૈશ્વિક ફુગાવાની ચાલ, ક્રુડના ભાવ તથા કરન્સીની વધઘટ પર જોવા મળી રહી છે અને આ યુદ્ધે ભારતના આર્થિક વિકાસના આઉટલુક પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે.

ફુગાવાજન્ય દબાણો, ક્રુડના ભાવમાં અનિશ્ચિતતા તથા ચોમાસાની સ્થિતિને લઈને પ્રવર્તતી ચિંતાને કારણે ખાનગી તથા સરકારી વપરાશ મંદ પડવાની અપેક્ષા છે. 

નિકાસ માગ મંદ પડતા ખાનગી ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃત્તિ હાલમાં થોભો અને રાહ જુઓના મોડમાં છે. 

ક્રુડ ઓઈલ ડેરિવેટિવ્સ પર આધાર રાખતા ક્ષેત્રો પર વધુ દબાણ આવવાની શકયતા છે જ્યારે ડેટા સેન્ટર્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જેવા સેવા સેગમેન્ટસ કેટલોક ટેકો પૂરો પાડી શકે છે એમ પણ રિપોર્ટમાં મત વ્યકત કરવામાં આવ્યો છે.