રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરે તેવી ધારણા
- નીચા ફુગાવાની સ્થિતિમાં માંગ વધારવાના ભાગરૂપે વ્યાજ દર ઘટાડાશે તેવો મત

મુંબઈ : ઓકટોબરમાં ફુગાવો નોંધપાત્ર ઘટીને આવતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) આવતા મહિનાની બેઠકમાં રેપો રેટ ૦.૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૫.૨૫ ટકા પર લાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
ખાધ્ય પદાર્થોના નીચા ભાવ અને ઉપભોગ માલસામાન પરના જીએસટીમાં ઘટાડાને પરિણામે ખાધ્ય પદાર્થનો ફુગાવો ઓકટોબરમાં વિક્રમી નીચી સપાટીએ જોવા મળ્યો હતો. ગત મહિનાનો રિટેલ ફુગાવો ૦.૨૫ ટકા રહ્યો હતો.
નીચા ફુગાવાની સ્થિતિમાં માગ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક આગામી બેઠકમાં રેપો રેટમાં પા ટકા જેટલો ઘટાડો કરશે તેવી શકયતા હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ રેપો રેટ ઘટાડવાનો અવકાશ હોવાના તાજેતરમાં સંકેત આપ્યા હતા. વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં રેપો રેટમાં એક ટકો ઘટાડો કર્યા બાદ ઓગસ્ટથી તે સ્થિર જળવાઈ રહ્યા છે.
એમપીસીની હવે પછીની મીટિંગ ૩-૫ ડિસેમ્બરના નિર્ધારી છે. આરબીઆઈ ૫.૨૫ ટકાનો રેપો રેટ આગામી એક વર્ષ સુધી જાળવી રાખશે તેવો અન્ય એક બેન્કરે મત વ્યકત કર્યો હતો.
દેશના આર્થિક વિકાસ દરમાં મજબૂતાઈ છતાં બજારના વર્તુળો રેપો રેટમાં ઘટાડો થવાની ધારણાં રાખી રહ્યા છે. જીએસટીમાં કપાત તથા આવક વેરામાં અપાયેલી રાહત બાદ દેશમાં માગમાં વધારો કરવાના હેતુ સાથે રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે હજુ સ્પષ્ટતા જોવા મળી નથી ત્યારે ઊંચા ટેરિફની સ્થિતિમાં દેશના નિકાસકારોને ટેકો પૂરો પાડવાનું મહત્વનું બની રહે છે.

