રિલાયન્સના ત્રિમાસિક પરિણામ : નફો 13.5 ટકા વધીને રેકોર્ડ રૂ.11640 કરોડ
- કોન્સોલિડેટેડ આવક રૂ.૧.૭૧ લાખ કરોડથી ઘટીને રૂ.૧.૬૯ લાખ કરોડ થઈ જીઆરએમ ૯.૨ ડોલર મેળવ્યું : રિલાયન્સ રીટેલની આવક ૨૭.૪ ટકા વધીને રૂ.૩૫,૫૭૭ કરોડ
- રિલાયન્સ જીઓની આવક ૨૮ ટકા, ચોખ્ખો નફો ૬૩.૧ ટકા વધ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ)મુંબઈ, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
ઓઈલ થી ટેલીકોમ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૧,ડિસેમ્બર ૨૦૧૯ના પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકના અપેક્ષિત પરિણામ જાહેર કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૧૦,૨૫૧ કરોડની તુલનાએ ૧૩.૫ ટકા વધીને રૂ.૧૧,૬૪૦ કરોડ થયો છે. જ્યારે કોન્સોલિડેટેડ આવક રૂ.૧,૭૧,૩૦૦ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧,૬૮,૮૫૮કરોડ થઈ છે.
રિલાયન્સ જીઓની ત્રિમાસિક આવક ૨૮.૨ ટકા વધીને રૂ.૧૬,૫૧૭ કરોડ થઈ છે. જ્યારે ચોખ્ખો નફો ૬૩.૧ ટકા વધીને રૂ.૧૩૬૦ કરોડ થયો છે. રિલાયન્સ જીઓના સબસ્ક્રાઈબરોની સંખ્યા ૩૧,ડિસેમ્બર ૨૦૧૯ના અંતે ૩૨.૧ ટકા વધીને ૩૭ કરોડ થઈ છે. આ ત્રિમાસિકમાં એઆરપીયું માસિક સબસ્ક્રાઈબર દીઠ રૂ.૧૨૮.૪ થઈ છે. ત્રિમાસિકમાં કુલ વાયરલેસ ડાટા ટ્રાફિક ૩૯.૯ ટકા વધીને ૧૨૦૮ કરોડ જીબી થયો છે.
રિલાયન્સ રીટેલની ત્રિમાસિક આવક રૂ.૩૫,૫૭૭ કરોડની તુલનાએ ૨૭.૪ ટકા વધીને રૂ.૪૫,૩૨૭ કરોડ થઈ છે. જેમાં ચોખ્ખો નફો ૧૦૨.૪ ટકા વધીને રૂ.૧૭૫૭ કરોડ થયો છે. ત્રીજા ત્રિમાસિકમાં કંપનીએ ૪૫૬ નવા સ્ટોર ખોલ્યા છે. આ સાથે ૧૧,૩૧૬ સ્ટોરની સંખ્યા થઈ છે. જે ૨૬૦ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં કાર્યરત છે.
રીફાઈનીંગ અને માર્કેટીંગ બિઝનેસમાં કંપનીએ કુલ રીફાઈનીંગ માર્જિન(જીઆરએમ) ગત વર્ષના સમાનગાળાના બેરલ દીઠ ૮.૮ ડોલરની તુલનાએ વધીને ૯.૨ ડોલર મેળવ્યું છે. જે બીજા ત્રિમાસિકમાં ૯.૪ ડોલર મેળવ્યું હતું. આ સેગ્મેન્ટમાં આવક રૂ.૧,૧૧,૭૩૮ કરોડની તુલનાીએ ૭.૨ ટકા ઘટીને રૂ.૧,૦૩,૭૧૮ કરોડની થઈ છે. જ્યારે ઈબીટા રૂ.૫૦૫૫ કરોડની તુલનાએ ૧૧.૯ ટકા વધીને રૂ.૫૬૫૭ કરોડ મેળવ્યો છે.
પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં કંપનીની આવક રૂ.૪૫,૬૧૯ કરોડની તુલનાએ ૧૯.૧ ટકા ઘટીને રૂ.૩૬,૯૦૯ કરોડ થઈ છે. જેમાં ઈબીટા રૂ.૮૨૨૧ કરોડની તુલનાએ ૨૮.૫ ટકા ઘટીને રૂ.૫૮૮૦ કરોડ થયો છે. મીડિયા બિઝનેસમાં આવક રૂ.૧૫૨૪ કરોડની તુલનાએ ૩.૩ ટકા ઘટીને રૂ.૧૪૭૪ કરોડ થઈ છે. ઈબીટા રૂ.૫૮ કરોડથી ૩૦૮.૬ ટકા વધીને રૂ.૨૩૭ કરોડ થયો છે. ઓઈલ-ગેસ એકસ્પ્લોરેશન બિઝનેસમાં આવક રૂ.૬૦૩ કરોડથી ૧૦.૧ ટકા ઘટીને રૂ.૫૪૨ કરોડ થઈ છે. ઈબીટા રૂ.૧૧૯ કરોડથી ઘટીને રૂ.૫૬ કરોડ મેળવ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ પરિણામ વિશે જણાવ્યું હતું કે, ત્રિમાસિક પરિણામો કંપનીના એનજીૅ બિઝનેસમાં નબળી વૈશ્વિક આર્થિક સ્થિતિ અને એનજીૅ માર્કેટસમાં વોલેટીલિટીની અસર દર્શાવે છે. ઓ ટુ સી ચેઈન, ડાઉનસ્ટ્રીમ પેટ્રોકેમિકલ્સમાં નફાકારકતાને નબળી માંગની સાથે નબળા માર્જિન્સથી અસર થઈ છે. રીફાઈનીંગ સેગ્મેન્ટની કામગીરી મુશ્કેલ ઓપરેટીંગ સમયગાળામાં કંપનીના ખર્ચ સ્થિતિ પર સતત ફોક્સ, ઊચ્ચ ઓપરેટીંગ દર અને પ્રોડક્ટ પ્લેસમેન્ટને કારણે સુધરી છે.
કંપનીના કન્ઝયુમર બિઝનેસોમાં સારી પ્રગતિ થઈ કંપની દરેક ત્રિમાસિકમાં નવા સિમાચિહ્નો સ્થાપ્યા છે. એ જ સ્ટોરમાં સતત વેચાણ વૃદ્વિ જોવાઈ છે અને ગ્રાહકોનો રેકોર્ડ પગરવ-ફુટફોલ નોંધાયો છે. રિલાયન્સ જીઓ દેશવ્યાપી ધોરણે ગ્રાહકોને અતુલ્ય ડિજિટલ અનુભવ અત્યંત પરવડે એવી કિંમતે આપવાના ફોક્સ કરી રહ્યું છે અને માંગ સાથે કદમ મિલાવવા નેટવર્ક ક્ષમતા વિસ્તારી રહી છે.