રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના
- એશિયાનો સૌથી મોટો ઈન્ટિગ્રેટેડ ફૂડ પાર્ક બનાવવા રિલાયન્સ ગુ્રપ ત્રણ વર્ષમાં રૂ.૪૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે : મુકેશ અંબાણી
- બિઝનેસોના વેલ્યુ અનલોકિંગ સહિત અનેકવિધ યોજના જાહેર
મુંબઈ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અપેક્ષા મુજબ તેના વિવિધ બિઝનેસોના વેલ્યુઅનલોકિંગ સાથે અનેકવિધ મહત્વાકાંક્ષી યોજના લાવી રહ્યું હોવાનું કંપનીની ૪૮મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકોને સંબોધતા ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું. કંપનીના રિલાયન્સ જિયોના લાંબા સમયથી આઈપીઓની રાહ જોઈ રહેલા રોકાણકારોનો ઈંતેઝાર ૨૦૨૬માં પૂરો થવાનું અને જૂન ૨૦૨૬ સુધીમાં રિલાયન્સ જિયોના શેરોનું શેર બજારો પર લિસ્ટિંગ કરાવવાની યોજના હોવાનું જાહેર કર્યું હતું.
'મારા માટે ગર્વની વાત છે કે, જિયો તેના આઈપીઓ ફાઈલિંગ માટે તમામ વ્યવસ્થા કરી રહ્યુ ંછે, અમે ૨૦૨૬ના પ્રથમ છ મહિના સુધીમાં જિયોને લિસ્ટ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ, જો જરૂરી મંજૂરીઓ મળી જશે તો' એમ કંપનીની એજીએમાં શેરધારકોને અંબાણીએ જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, હ્યુમનોઈડ રોબોટિક્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે એઆઈ માટે અત્યંત મહત્વનું હશે, આ સાથે તેમણે આ ક્ષેત્રમાં આશ્ચર્યજનક પ્રગતિ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.
રિલાયન્સ ભારતને એઆઈ દ્વારા સંચાલિત માનવ-કેન્દ્રિત રોબોટિક્સમાં અગ્રેસર બનાવવા માટે રોકાણ કરી રહ્યું છે. નવા પ્રકારના ઉદ્યોગો અને સર્વિસિઝ, નવા પ્રકારની કૃષિ, નવા પ્રકારની નોકરીઓ અને આપણા યુવાનો માટે આકર્ષક નવી તકોનું સર્જન કરી રહ્યા છીએ એમ અંબાણીએ જણાવ્યું હતું. ચેરમેને માનવ-કેન્દ્રિત રોબોટ્સ ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ઈન્ટેલિજન્ટ ઓટોમેશન ફેકટરીઓને અનુકૂલનશીલ ઉત્પાદન પ્રણાલીમાં, વેરહાઉસને સ્વાયત્ત સપ્લાય ચેઈનમાં અને હોસ્પિટલોને ચોક્સાઈ સંભાળના કેન્દ્રોમાં પરિવર્તિત કરશે.
રિલાયન્સ રિટેલ ત્રણ વર્ષમાં આવકમાં ૨૦ ટકાથી વધુ ચક્રવૃદ્વિ વાર્ષિક વૃદ્વિ દર (સીએજીઆર) હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે, અને આઠ વૃદ્વિ સક્ષમ કરનારાઓમાં એક રોબોટિક્સ સક્ષમ વેરહાઉસના સ્વરૂપમાં ટેકનોલોજી-સંચાલિત ક્ષમતાઓ હશે, જે રિટેલ વ્યવસાયને ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે સ્કેલ કરવાની મંજૂરી આપશે, આક્રમક વૃદ્વિના તબક્કામાં પણ નફાકારકતા સુનિશ્ચિત કરશે.
આ ઉપરાંત જાહેર કર્યું હતું કે, ગુ્રપ આગામી ત્રણ વર્ષમાં એઆઈ-સંચાલિત ઓટોમેશન અને રોબોટિક્સ સાથે એશિયાના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ ફૂડ પાર્ક બનાવવા રૂ.૪૦,૦૦૦ કરોડ એટલે કે ૪.૭ અબજ ડોલર જેટલું રોકાણ કરશે. ઓટોમેશન, એઆઈ અને રોબોટિક્સ દ્વારા સંચાલિત ગુ્રપની સપ્લાય ચેઈન કોઈપણ સ્તરે વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે રચાયેલ છે.