ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત
Reliance AGM 2025: દેશના ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેલિકોમ કંપની જિયોનો આઈપીઓ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, 'આગામી વર્ષે 2026ના પ્રથમ છ માસમાં આઈપીઓ લોન્ચ કરવામાં આવશે.’ આ જાહેરાત સાથે રોકાણકારોની આતુરતાનો અંત આવ્યો છે. 2019માં રિલાયન્સની એજીએમમાં પ્રથમ વખત મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના આઈપીઓના સંકેત આપ્યા હતા. ત્યારબાદ છેક પાંચ વર્ષ બાદ તેના લોન્ચિંગ અંગે જાહેરાત કરી છે.
જિયોના આઈપીઓ માટે રોકાણકારો ઉત્સાહમાં
મુકેશ અંબાણીએ આઈપીઓ અંગે વિસ્તૃત માહિતી આપી નથી પરંતુ જણાવ્યું હતું કે, ‘2026ના પ્રથમ છ માસમાં આઈપીઓ લોન્ચ કરવામાં આવશે. આગામી વર્ષે જૂન સુધીમાં આઈપીઓ લોન્ચ થઈ શકે છે.’ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકો તેમજ અન્ય રોકાણકારો જિયોના આઈપીઓ માટે ઉત્સાહી છે. જિયો ફાઈનાન્સની જેમ જિયો ટેલિકોમમાં પણ રિલાયન્સ અને જિયો ફાઈનાન્સના શેરધારકોને અમુક શેર હિસ્સો મળે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
જિયો દેશનું પ્રથમ ટેલિકોમ નેટવર્ક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 2015માં લોન્ચ થયેલું ટેલિકોમ નેટવર્ક જિયો ટૂંક સમયમાં જ લોકપ્રિય બન્યું હતું. આજે 50 કરોડથી વધુ યુઝર સાથે તે દેશનું ટોચનું ટેલિકોમ નેટવર્ક બન્યું છે. જિયોના કારણે જ દેશમાં ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ હતી તેમજ વોઈસ કોલ પણ ઘણાં સસ્તા થઈ ગયા હતા. જિયોએ ભારતમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખ્યો હતો, જેમાં આધાર અને યુપીઆઈ સહિતની પહેલ પણ સામેલ છે.
5જી ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો
રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, દેશમાં 5જી સૌથી ઝડપી રોલઆઉટ થયા બાદ જીઓના 5જી ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. 22 કરોડથી વધુ યુઝર્સ જિયો ટ્રુ5જી નેટવર્ક સાથે જોડાયા છે. ટૂંકસમયમાં જિયો ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરશે.
નવુ વોઈસ આસિસ્ટન્ટ RIYA લોન્ચ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 48મી AGMમાં રિલાયન્સ જિયોએ Jio ફ્રેમ્સ અને PC સાથે એક નવું વોઇસ આસિસ્ટન્ટ 'RIYA' રજૂ કર્યું છે. આ એક વોઇસ-સક્ષમ સર્ચ આસિસ્ટન્ટ છે જે કન્ટેન્ટ શોધવાનું અત્યંત સરળ બનાવશે, જેનાથી યુઝર્સ ઝડપી અને સરળતાથી વીડિયો જોઈ શકશે. આ વોઇસ ટેકનોલોજી સીધા આદેશો પર કામ કરે છે અને સમય બગાડ્યા વિના ઝડપી પરિણામો આપે છે. AGMમાં વોઇસ પ્રિન્ટ ફીચર પણ રજૂ કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને સ્પોર્ટ્સ અને મનોરંજન પ્રેમીઓ માટે છે. આ ફીચર યુઝર્સને તેમની મનપસંદ પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટનો આનંદ માણવાની મંજૂરી આપશે. JioHotstar એપ પર તેનો ઉપયોગ કરીને, લોકો તેમની માતૃભાષામાં રમતગમત અને મનોરંજન કન્ટેન્ટ જોઈ શકશે. આ પગલું દેશભરમાં વિવિધ ભાષાઓના પ્રેક્ષકો સુધી પહોંચવાની દિશામાં એક મોટો ફેરફાર માનવામાં આવે છે.
જિયોના પાંચ મોટા લક્ષ્યો
- જિયોનું પહેલું અને સૌથી મોટું લક્ષ્ય દરેક ભારતીયને મોબાઇલ અથવા હોમ બ્રોડબેન્ડ દ્વારા જોડવાનું છે. અત્યાર સુધીમાં જિયો 50 કરોડ ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.
- જિયોએ દેશના દરેક ઘર સુધી ડિજિટલ સેવા પૂરી પાડવાનું બીજું સૌથી મોટું લક્ષ્ય નક્કી કર્યું છે. આ માટે જિયો સ્માર્ટ હોમ, ટીવી પ્લસ, ટીવી ઓએસ અને ઓટોમેશન દ્વારા ઍક્સેસ સરળ બનાવાશે.
- જિયોનું ત્રીજું લક્ષ્ય દેશના દરેક બિઝનેસને ડિજિટાઇઝ કરવાનું છે અને તેને શક્ય તેટલું સરળ, સલામત અને સુલભ બનાવવાનું છે.
- જિયોનો ચોથો હેતુ દેશમાં AI ક્રાંતિને આગળ વધારવાનો છે. કંપનીના CMD એ કહ્યું કે અમારું લક્ષ્ય AI ને દરેક જગ્યાએ અને દરેક માટે સુલભ બનાવવાનું છે.
- જિયોનું પાંચમું લક્ષ્ય ભારતની બહાર સેવા લઈ જવાનું છે. આ સ્વદેશી ટેકનોલોજી વિશ્વભરમાં લઈ જવાશે. મુકેશ અંબાણીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે જિયોનું ભવિષ્ય ઉજ્જવળ છે અને રોકાણકારો સાથે સમગ્ર દેશને તેનો લાભ મળશે.