જિયોએ લદ્દાખના પેંગોગ લેક પાસે 4G સેવાઓ વિસ્તારી
શ્રીનગર, 7 જૂન 2022,મંગળવાર
રિલાયન્સ જિયોએ લદ્દાખ ક્ષેત્રમાં તેની 4G સેવાઓની પહોંચ પેંગોંગ લેકની નજીકના ગામ સુધી વિસ્તારી છે. તેણે તેની 4G વૉઇસ અને ડેટા સેવાઓ લદ્દાખમાં પેંગોંગ લેક પાસેના સ્પાંગમિક ગામમાં લૉન્ચ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ટેલિકોમ ઓપરેટર તરીકે લોકપ્રિય પર્યટન સ્થળ પેંગોંગ વિસ્તારમાં અને તેની આસપાસ 4G મોબાઇલ કનેક્ટિવિટી પ્રદાન કરનાર પ્રથમ નેટવર્ક બન્યું છે.
લદ્દાખના લોકસભા સભ્ય જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલે સ્પાંગમિક ગામમાં જિયો મોબાઈલ ટાવરનું ઉદ્દઘાટન કર્યું હતું. નમગ્યાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક શરૂ થવાથી સ્થાનિક લોકોની લાંબા સમયથી પડતર માંગણી પૂરી થઈ છે.
"આ લોન્ચિંગથી આ વિસ્તારના પ્રવાસીઓ અને સૈનિકોને કોઈપણ પ્રકારના અવરોધ વગરની કનેક્ટિવિટી મળવા ઉપરાંત આ પ્રદેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે," તેમણે કહ્યું.
જિયોએ જણાવ્યું હતું કે તે દરેકને ડિજિટલ રીતે જોડવા અને સમાજને સશક્ત બનાવવાના તેના વિઝનને અનુરૂપ લદ્દાખ ક્ષેત્રમાં તેના નેટવર્કમાં સતત વિસ્તરણ અને વધારો કરી રહ્યું છે.
"અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ અને કઠોર હવામાનની પરિસ્થિતિઓના પડકારનો સામનો કરીને, ટીમ જિયો કેન્દ્રશાસિત પ્રદેશના સૌથી અંતરિયાળ ભાગો સુધી પહોંચવાના તેના પ્રયાસો ચાલુ રાખે છે જેથી કરીને લોકો એવા વિસ્તારોમાંથી પણ સંપર્કમાં રહે કે જે મોટાભાગે મહિનાઓ સુધી દેશના મુખ્ય વિસ્તારોથી ખૂબ જ દૂર રહે છે," તેમ રિલાયન્સ જિયોના અધિકારીએ જણાવ્યું હતું.