Reliance Infra Share Price: અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુપ્રીમ કોર્ટે વધુ એક ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપનીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આર્બિટ્રેશન એવોર્ડ પેટે રૂ. 8000 કરોડ વળતર ચૂકવવાનો આદેશ અટકાવ્યો છે. પરિણામે રિલાયન્સ ઈન્ફ્રાનો શેર આજે 20 ટકા તૂટ્યો હતો.
BSE ખાતે રિલાયન્સ ઈન્ફ્રાનો શેર 19.99 ટકાની લોઅર સર્કિટ સાથે 227.40ના લેવલે પહોંચ્યો હતો.
આર્બિટ્રેશન એવોર્ડ રદ કરવા મંજૂરી
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ડીએમઆરસીને આર્બિટ્રેશન એવોર્ડ પેટે ચૂકવણી કરવાનો નિર્દેશ ન્યાયના અપમાન સમાન છે. કોર્ટે અગાઉ કરવામાં આવેલી ચૂકવણીના તમામ રિફંડ ફરિજ્યાતપણે કરવા નિર્દેશ કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની બેન્ચે ડીએમઆરસી દ્વારા આર્બિટ્રેશન એવોર્ડ રદ કરવા માટેની અપીલને મંજૂરી આપી હતી.
ડીએમઆરસીએની કુલ જવાબદારી રૂ. 8009.38 કરોડ છે, જેમાંથી તેણે રિલાયન્સ ઈન્ફ્રાની પેટા કંપની DAMEPLને રૂ. 1678.42 કરોડ ચૂકવ્યા હતા. અનિલ અંબાણીની માલિકીની DAMEPLએ 22.7 કિમી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ જારી રાખવામાં આવતાં સુરક્ષા વિશે ચિંતાનો માહોલ સર્જાયો છે. ડીએમઆરસીએ ઓક્ટોબર, 2012માં કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો.
શું હતો મામલો?
ડીએમઆરસીએ 11 મે, 2017ના રોજ રિલાયન્સ એનર્જી લિ. (હાલ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) અને કોન્સ્ટ્રક્સન્સ વાય ઓક્સિઅર ડે ફેરાકારિલ્સ સાના કોન્સોર્ટિયમ વિરૂદ્ધ ડીએમઆરસી આર્બિટ્રેશન એવોર્ડ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે, ડીએમઆરસી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનના સ્ટ્રક્ચરમાં ખામી શોધવામાં નિષ્ફળ રહી હતી. જો કે, ટ્રિબ્યુનલે તપાસમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં 10થી 20 mmની રેન્જમાં 80 ગર્ડર્સ સાથે 367 ગર્ડર્સમાં 1551 ખાડા શોધી કાઢ્યા હતા. જે સ્ટ્રક્ચરમાં ખામી હોવાનો પુરાવો આપતા હતા. ડીએમઆરસીએ આ મામલે 90 દિવસની અંદર કોઈ અસરકારક પગલાં ન લેતાં ટ્રિબ્યુનલે ડીએમઆરસીને કરાર રદ કરવા ભલામણ કરી હતી. બાદમાં કેસ દિલ્હી હાઈ કોર્ટમાં ગયો હતો. અને તેના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.


