Get The App

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત 1 - image

JioBlackRock in Mumbai: ભારતીય અર્થતંત્ર અને ટેકનોલોજીના ભવિષ્યને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની 'બ્લેકરોક'ના CEO લેરી ફિંક વચ્ચે 'ઇન્વેસ્ટિંગ ફોર અ ન્યૂ એરા' કાર્યક્રમમાં અત્યંત રસપ્રદ સંવાદ યોજાયો હતો. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે જિયો-બ્લેકરોકની સફળતાની સાથે ભારતની આર્થિક પ્રગતિનું રોડમેપ પણ રજૂ કર્યો હતો.

10 મિનિટની કાર રાઈડમાં રચાયો ઇતિહાસ

આ અંગે મુકેશ અંબાણીએ સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, 'આ વિશાળ ભાગીદારીનો પાયો 2023માં માત્ર પાંચ મિનિટની એક કાર રાઈડમાં નખાયો હતો. મેં લેરીને માત્ર એટલું જ કહ્યું કે બ્લેકરોકે ભારતમાં પરત આવવું જોઈએ, અને તેમણે તુરંત પૂછ્યું- શું તમે મારી સાથે ભાગીદારી કરશો? અને બસ, 5 મિનિટમાં ડીલ પાકી થઈ ગઈ.’

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે ફેલાયેલા ડર અંગે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘ભારત દુનિયાના કોઈ પણ દેશ કરતા ટેકનોલોજીને વધુ સારી રીતે અપનાવે છે. આપણે AIથી ડરવાની જરૂર નથી, તે નોકરીઓના નવા અવસરો પેદા કરશે.’

આ વાતમાં લેરી ફિંકે પણ સૂર પુરાવતા કહ્યું કે, ‘AI જૂની નોકરીઓ બદલશે અને નવા રોજગાર લાવશે. ભારતની મોટી વસ્તી માટે હવે AI વિકાસનું એન્જિન બનશે.’


‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત 2 - image

બેંકમાં નહીં, બજારમાં પૈસા વધે છે: રોકાણનો મંત્ર 

આ કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ ભારતીયોને 'કમ્પાઉન્ડિંગ' (નફા પર નફો) ની તાકાત પણ સમજાવી હતી. તેમણે કહ્યું કે ‘બેંક ખાતામાં સાધારણ વ્યાજ પર પડેલા પૈસા કમ્પાઉન્ડિંગ નથી. શેરબજારમાં લાગેલા પૈસા જ અસલી કમ્પાઉન્ડિંગ છે. અમારું લક્ષ્ય છે કે, ભારતીયોની દાયકાઓ જૂની બચત જે 'બિનઉત્પાદક' રહી છે, તેને જિયો-બ્લેકરોક દ્વારા કમાણીમાં ફેરવવી. આ ઉપરાંત અમે બ્લેકરોકની 'Aladdin' ટેકનોલોજી દ્વારા માત્ર ₹350 પ્રતિ વર્ષના દરે નિષ્ણાતોની સલાહ ઉપલબ્ધ કરાવીશું.’

ભારતમાં પેદા થશે 100 નવી 'રિલાયન્સ'

ભારતીય સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ પર ગર્વ વ્યક્ત કરતા મુકેશ અંબાણીએ ભવિષ્યવાણી કરી કે, ‘આવનારા સમયમાં હું દેશમાં 100 નવી રિલાયન્સ જેવી કંપનીઓ બનતી જોઈ રહ્યો છું. ભારતની નીતિઓ સ્થિર છે અને આગામી દાયકા સુધી ભારત 8% થી 10% ની ઝડપે વૃદ્ધિ કરશે.’

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત 3 - image

માત્ર 6 મહિનામાં ₹13,700 કરોડની એસેટ્સ

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બ્લેકરોકનું આ સાહસ (Jio BlackRock) અત્યંત સફળ રહ્યું છે. તેના લોન્ચિંગના 6 મહિનામાં જ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) ₹13,700 કરોડને પાર કરી ગઈ છે. બેન્કર કે.વી. કામતના મતે આગામી 5 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ બમણો થઈ જશે. આ દરમિયાન લેરી અંતમાં જણાવ્યું કે, ‘ભારતનું અર્થતંત્ર તો માત્ર શરૂઆત છે અને ભારત અત્યારે દુનિયામાં ટેકનોલોજી સાથે પ્રયોગ કરવા માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ દેશ છે.’

નોંધનીય છે કે, જુલાઈ 2023માં રિલાયન્સ અને બ્લેકરોકે 50:50ના જોઈન્ટ વેન્ચરની સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં બંને કંપનીએ 150 મિલિયન ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ત્યાર પછી 27 મે, 2025ના રોજ SEBI તરફથી મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે મંજૂરી મળ્યા બાદ, આ કંપનીઓએ ભારતીય રોકાણકારોને સસ્તા અને ટેકનોલોજી આધારિત રોકાણના સાધનો પૂરા પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. 

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત 4 - image