ટૂ અને થ્રી-વ્હીલર પર EV સબસિડીમાં ઘટાડો, કાર અને બસ પર સમાપ્ત
- ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ, ૨૦૨૪ લોન્ચ
- ટૂ-વ્હીલર પર મહત્તમ સબસિડી મર્યાદા રૂ. ૨૨,૫૦૦થી ઘટાડીને રૂ. ૧૦,૦૦૦ કરાઇ
અમદાવાદ : દેશમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર્સને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે બુધવારે ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ ૨૦૨૪ રજૂ કરી છે. ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ કહ્યું કે કેન્દ્ર સરકારે નવી યોજના માટે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે એપ્રિલથી આગામી ૪ મહિના માટે લાગુ રહેશે.
પાંડેએ કહ્યું કે, હાલની ફાસ્ટર એડોપ્શન અને મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રિક વ્હીકલ ફેઝ-૨ પહેલને બદલે આગામી સ્કીમ ૧ એપ્રિલથી અમલમાં આવશે. ફાળવેલ રૂ. ૫૦૦ કરોડનો ઉપયોગ ૪ મહિનાના સમયગાળામાં લગભગ ૪ લાખ ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર્સને આથક સપોર્ટ માટે કરવામાં આવશે.
નવી યોજના હેઠળ સરકાર દ્વારા ઈ-ટૂ-વ્હીલર અને ઈ-થ્રી-વ્હીલર પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ નવી સ્કીમ હેઠળ ઈ-ફોર વ્હીલર્સ અને ઈ-બસને આ પ્રકારનું કોઈ પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. વધતી જતી માંગને પહોંચી વળવા અને ઈવી ઉત્પાદકો પર બોજ વધારવા માટે સરકારે ટૂ-વ્હીલર પર મહત્તમ સબસિડીની મર્યાદા પ્રતિ વાહન ૧૦,૦૦૦ રૂપિયા કરી છે.
જે અગાઉ ૨૨,૫૦૦ રૂપિયા હતી. આ સિવાય થ્રી-વ્હીલર પરની સબસિડી ૧,૧૧,૫૦૫ રૂપિયાથી ઘટાડીને રૂ. ૫૦,૦૦૦ કરવામાં આવી છે. બંને કેટેગરીના વાહનોને પ્રતિ કિલોવોટ કલાક ૫,૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન મળશે. ઉચ્ચ માંગને ધ્યાનમાં રાખીને સબસિડી ઘટાડવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ઈન્ડસ્ટ્રીને મજબૂત કરવાનો અને તેને સબસિડી પછીના તબક્કા માટે તૈયાર કરવાનો છે.
ઈવીના વેચાણમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૪૫ ટકાથી વધુની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. ૨૦૨૩માં કુલ ૧૫ લાખ ઈવીનું રજિસ્ટ્રેશન થયું છે, જે ગત વર્ષના ૧૦ લાખ કરતા નોંધપાત્ર વધુ છે. આ સાથે દેશના ઓટો સેક્ટરમાં ઈવીનો હિસ્સો ૨૦૨૨ના ૪.૮ ટકાથી વધીને ૬.૩ થયો છે.