વિશ્વ બજારમાં ખાદ્યતેલોમાં ઘટાડાનો પવન એરંડા તેમજ દિવેલના ભાવ ફરી ગબડયા
- પામતેલમાં આયાત પડતર ઊંચી જ્યારે બજારભાવ તેની સરખામણીએ ખાસ્સા નીચા રહેતાં ઉંચી પડતરના થઈ રહેલા વેપારો
મુંબઈ, તા. 21 નવેમ્બર 2019, ગુરૂવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ ધીમી રહી હતી. વેપારો છૂટાછવાયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે નરમાઈ બતાવતા હતા. મુંબઈ બજારમાં હાજર ભાવ ૧૦ કિલોના સિંગતેલના રૂ.૧૦૨૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૭૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૬૦થી ૧૫૭૦ રહ્યા હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ ઘટયા મથાળેથી ધીમા સુધારા વચ્ચે રૂ.૭૩૫થી ૭૪૦ રહ્યા હતા.
જ્યારે મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૭૮૫ બોલાતા હતા. ગુજરાત-સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળી-સિંગદાણાનો પાક બમ્પર મનાઈ રહ્યો છે. જોકે પાછોતરા વરસાદના પગલે નવા માલોમાં અમુક વિસ્તારોમાં ગુણવત્તાને અસર પડી છે તથા નવા માલોમાં ભેજ પણ રહ્યાની ચર્ચા સંભળાઈ છે.
દરમિયાન, મગફળીની આવકો આજે સવારે ગોંડલ ખાતે આશરે ૫૦ હજાર ગુણી તથા રાજકોટ ખાતે આશરે ૬૭તી ૬૮ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૦૦થી ૯૮૦ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
મુંબઈ બજારમાં આજે પામતેલના ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના રૂ.૭૩૦ તથા જેએનપીટીના રૂ.૭૨૦ રહ્યા હતા. ઉંચા ભાવતી આજે ધીમો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો. પામતેલમાં હવાલા રિસેલમાં રૂ.૭૨૨થી ૭૨૩માં આશરે ૧૦૦ ટનના વેપાર થયા હતા. જ્યારે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના ભાવ ખાસ્સા ઉંચા હોતાં ડાયરેકટ ડિલીવરીમાં ખાસ વેપાર ન હતા.
દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૬૫૮ વાળા રૂ.૬૫૪ રહ્યા હતા. બજારના જાણકારોના જણાવ્યા મુજબ ક્રૂડ પામ ઓઈલ સીપીઓની આયાત પડતર હાલ રૂ.૬૭૦ જેવી ઉંચી રહી છે તથા રિફાઈન્ડ પામોલીન-પામતેલની આવી આયાત પડતર રૂ.૭૬૫ જેવી ઉંચી રહી છે.
આ જોતા આંયાત પડતરની સરખામણીએ બજારમાં હાલ પ્રવર્તતા ભાવ હજી નીચા રહ્યા છે એ જોતાં વિશ્વ બજાર ઊંચી રહેશે તો ઘરઆંગણે બજાર ભાવ આગળ ઉપર ફરી ઉંચા જવાની ગણઁતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, આજે વાયદા બજારમાં સીપીઓના ભાવ રૂ.૬૬૧.૫૦ રહ્યા પચી નીચામાં રૂ.૬૫૧.૨૦ થઈ સાંજે ભાવ રૂ.૬૫૩ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૧૧.૫૦ થયા પછી નીચામાં રૂ.૮૦૦.૭૦ થઈ સાંજે રૂ.૮૦૧ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૧૬, ૧૮, ૨૨ તથા ૨૩ પોઈન્ટ માઈનસમાં રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર નરમ રહ્યા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૪થી ૨૭ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૨૧થી ૨૨ પોઈન્ટ નરમ રહ્યા હતા.
ચીન તથા અમેરિકા વચ્ચે ફરી મતભેદો ઉભા થતાં અમેરિકાના કૃષી બજારોમાં અજંપો દેખાયો હતો. ત્યાં રાત્રે સોયાખોળ વાયદો ૧૯થી ૨૨ પોઈન્ટ ઘટયો હતો. જ્યારે ત્યાં સોયાબીનનો વાયદો રાત્રે ૪૦થી ૬૪ પોઈન્ટ નરમ રહ્યો હતો. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૨૦ પોઈન્ટ ગબડયો હતો. મુંબઈ બજારમાં આજે હાજર ભાવ સોયાતેલના ડિગમના રૂ.૭૭૫ તથા રિફા.ના રૂ.૭૮૫ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ રૂ.૭૮૫ તથા રિફા.ના રૂ.૮૨૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૩૦ તથા કોપરેલના ૧૦ કિલોના રૂ.૧૩૩૦ રહ્યા હતા.
મુંબઈ દિવેલ હાજરના ભાવ આજે ૧૦ કિલોના રૂ.૯ તૂટયા હતા જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૪૪૨૫ વાળા રૂ.૪૩૮૦ રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં આજે સાંજે ભાવ રૂ.૧૦૮થી ૧૨૪ ગબડયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે એરંડા ખોળના ભાવ ટનના રૂ.૫૯૫૦ વાલા રૂ.૫૯૦૦ રહ્યા હતા. જયારે સોયાખોળના ભાવ રૂ.૩૨૫૫૫થી ૩૨૫૬૦ વાળા રૂ.૩૨૮૭૦ રહ્યા હતા. સોયાબીનની આવકો આજે બપોરે ઓલ ઈન્ડિયા સ્તરે આશરે ૭ લાખ ૩૫ હજાર ગુણી નોંધાઈ હતી .