લિસ્ટેડ કંપનીઓ દ્વારા મ્યુ. ફંડમાં વિક્રમી રોકાણ
- ૨૦૨૪-૨૫માં રૂ. ૩.૮ લાખ કરોડનું રોકાણ, અગાઉ ૨૦૨૦-૨૧માં ૩.૬ લાખ કરોડની ટોચે હતું
- બેંક ડિપોઝિટ પર ઓછા વ્યાજ દર ભંડોળના પ્રવાહમાં વધારો થવા પાછળનું એક પરિબળ
અમદાવાદ : લિસ્ટેડ કંપનીઓએ મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ કર્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના ડેટા અનુસાર, ૨૦૨૪-૨૫માં લિસ્ટેડ કંપનીઓને મ્યુચ્યુઅલ ફંડમાં તેમનું રોકાણ રૂ. ૩.૮ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ ૧૯૯૦-૯૧ પછીનો સૌથી વધુ આંકડો છે. બજારની અનિશ્ચિતતા, મર્યાદિત વૃદ્ધિના માર્ગો અને નીચા વ્યાજ દરો આ વધારામાં ફાળો આપતા પરિબળો હોવાનું માનવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું મૂલ્ય છેલ્લે ૨૦૨૦-૨૧માં ૩.૬ લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું.
ફંડ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું કે ઘણી કંપનીઓ એવા સમયે મોટી માત્રામાં રોકડ ઘરાવે છે. બિન-નાણાકીય કંપનીઓનું રોકડ બેલેન્સ રેકોર્ડ રૂ. ૭.૪ લાખ કરોડ છે. જે કોરોના પહેલા જોવામાં આવેલા ૩.૪ લાખ કરોડ કરતા બમણાથી વધુ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓર્ડર બુક, ઇન્વેન્ટરી અને ક્ષમતા ઉપયોગ સર્વે અનુસાર, મોસમી ભિન્નતાઓને સમાયોજિત કર્યા પછી, માર્ચ ૨૦૨૫ સુધીમાં ક્ષમતા ઉપયોગ ૭૫.૫% હતો. જ્યારે હાલની ઉત્પાદન ક્ષમતા મોટાભાગે બિનઉપયોગી રહે છે, ત્યારે કંપનીઓ નવી ક્ષમતામાં રોકાણ કરી શકશે નહીં.
વધારાની રોકડને કારણે રોકાણમાં વધારો કુલ સંપત્તિના ટકાવારી તરીકે મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને જોવાથી પણ સ્પષ્ટ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં તે ૩.૨% પર રહ્યો હતો. છેલ્લા બે દાયકાના ડેટા દર્શાવે છે કે આ પાછલા વર્ષો સાથે સુસંગત છે. ૨૦૧૬-૧૭ માં, જ્યારે નોટબંધી થઈ ત્યારે સૌથી વધુ સ્તર ૪.૩% હતું.
મોટાભાગના નાણાં ઇક્વિટીને બદલે સ્થિર આવકમાં રોકાણ કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે કંપનીઓને વળતર મેળવવાને બદલે મૂડી સાચવવાની જરૂર છે. બેંક ડિપોઝિટ પર ઓછા વ્યાજ દર પણ મ્યુચ્યુઅલ ફંડમાં ભંડોળના પ્રવાહમાં એક પરિબળ હોઈ શકે છે. જો ટેરિફ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા ઓછી થાય તો પણ, કંપનીઓ મજબૂત આર્થિક વૃદ્ધિ ન જુએ ત્યાં સુધી મૂડી ખર્ચ રોકી શકે છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે કોર્પોરેટ રોકાણમાં અનલિસ્ટેડ કંપનીઓ અને નાણાકીય કંપનીઓનો સમાવેશ થાય છે. આ રોકાણ હોલ્ડિંગ કંપનીઓ તરીકે રચાયેલ કોર્પોરેટ એન્ટિટીને પણ પ્રતિબિંબિત કરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં તેમનું કુલ રોકાણ રૂ. ૨૩.૬ લાખ કરોડ હતું, જે ૨૦૧૮-૧૯ના અંતે રૂ. ૯.૬ લાખ કરોડ હતું.
નાણાકીય વર્ષ ૨૦૧૯ અને નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન ઇક્વિટી ફંડ્સમાં કોર્પોરેટ રોકાણ ૧૨૯% વધીને રૂ.૫.૪ લાખ કરોડ થયું હતું. આ જ સમયગાળા દરમિયાન નોન-ઇક્વિટી ફાળવણી ૧૫૨% વધીને રૂ. ૧૮.૨ લાખ કરોડ થઈ હતી.
૨૦૨૩-૨૪માં નોન-ઇક્વિટી સંપત્તિ રૂ. ૧૦.૬ લાખ કરોડ હતી. નીચા બેંક વ્યાજ દરો મ્યુચ્યુઅલ ફંડ તરફ સ્થળાંતરનું કારણ હોઈ શકે છે, જે ઘણીવાર થોડું વધારે વળતર આપે છે. સ્થાનિક થાપણ દરોના ડેટા દર્શાવે છે કે શિડયુલ્ડ વાણિજ્યિક બેંકો જુલાઈમાં નવી થાપણો પર ૫.૬૧ ટકાનો દર ઓફર કરી રહી હતી, જે ૩૩ મહિનામાં સૌથી નીચો છે.