Get The App

ગોલ્ડ ETFમાં રેકોર્ડ : 2024ના પ્રથમ છ માસમાં રૂ.3,186 કરોડનું રોકાણ

- જૂન માસ દરમિયાન કુલ ૧૭ ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૭૨૬.૧૬ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ગોલ્ડ ETFમાં રેકોર્ડ : 2024ના પ્રથમ છ માસમાં રૂ.3,186  કરોડનું રોકાણ 1 - image


અમદાવાદ : મે ૨૦૨૪ના રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી સોનાની કિંમતમાં લગભગ રૂ. ૨,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો છે, પરંતુ સ્થાનિક સ્તરે, ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગોલ્ડ ઇટીએફમાં ચોખ્ખું રોકાણ વધીને રેકોર્ડ રૂ. ૩ હજાર કરોડ સુધી પહોંચ્યું છે. આ વર્ષે અત્યાર સુધી માત્ર એપ્રિલમાં જ રોકાણ પાછું ખેંચાયું હતું, જ્યારે બાકીના ૫ મહિનામાં રોકાણમાં વધારો જોવા મળ્યો છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર, જૂન ૨૦૨૪ દરમિયાન દેશના કુલ ૧૭ ગોલ્ડ ઇટીએફ (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં રૂ. ૭૨૬.૧૬ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, જે ૪૬ ટકા વધુ છે.. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન દેશમાં કુલ ૧૩ ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૪૫૬.૧૫ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.

આ રીતે, કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ ૬ મહિના (જાન્યુઆરી-જૂન) દરમિયાન, ગોલ્ડ ઇટીએફમાં કુલ રૂ. ૩,૧૮૫.૯૪ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. ૨.૬ કરોડનો ઉપાડ નોંધાયો હતો.

ડેટા અનુસાર, મે ૨૦૨૪ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૮૨૭.૪૩ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું. જ્યારે એપ્રિલ ૨૦૨૪માં ૩૯૫.૬૯ રૂપિયાનો ચોખ્ખો ઉપાડ જોવા મળ્યો હતો. અગાઉ કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં, ગોલ્ડ ઇટીએફમાંથી આઉટફ્લો માત્ર બે મહિના એટલે કે જાન્યુઆરી અને માર્ચ દરમિયાન નોંધવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૩ દરમિયાન અનુક્રમે રૂ. ૧૯૯.૪૩ કરોડ અને રૂ. ૨૬૬.૫૭ કરોડનો ઉપાડ થયો હતો, જ્યારે અન્ય ૧૦ મહિનામાં ઇનફ્લો હતો.

જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં રૂ. ૫,૨૪૮.૪૬ કરોડનો વધારો થયો છે. આ પહેલા, ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં આટલો વધારો કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન જોવા મળ્યો ન હતો. ગયા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, ગોલ્ડ ETFમાં રોકાણમાં રૂ. ૬૫૨.૮૧ કરોડનો વધારો થયો હતો.

કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૨,૯૨૩.૮૧ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ કરતાં ૬ ગણું વધારે છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૧ ગોલ્ડ ઇટીએફમાં કુલ રૂ. ૪૫૮.૭૯ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News