Get The App

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો

- વૈશ્વિક તણાવ અને બજારની અસ્થિરતા વચ્ચે NSE પર લગભગ ૩૫ લાખ જેટલા ખાતા બંધ થયા

- વૈશ્વિક તણાવને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો 1 - image

અમદાવાદ : નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નાણાકીય વર્ષ ૨૦૨૬માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો. ગત નાણાકીય વર્ષે લગભગ ૩૫ લાખ ખાતા બંધ થયા હતા. આ ત્રણ વર્ષમાં પ્રથમ વાર્ષિક ઘટાડો છે અને અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડો મુખ્યત્વે ડિસ્કાઉન્ટ બ્રોકરોના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે થયો હતો.

એનએસઈ પર સક્રિય રોકાણકારોની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં ૭ ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૪.૯૨ કરોડ ખાતા હતા તે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૪.૫૮ કરોડ થયા હતા. આ ઘટાડામાં એકલા ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો ૭૦ ટકાથી વધુ અથવા લગભગ ૨.૬ મિલિયન ખાતા હતા.

ડિસ્કાઉન્ટ બ્રોકર ઝરોધાએ આ ઘટાડાનું નેતૃત્વ કર્યું હતું, જેણે ૯૯૫,૦૦૦ સક્રિય રોકાણકારો ગુમાવ્યા હતા, જે કુલ ઘટાડાના ૨૯% હતા. એન્જલ વનએ ૮૧૫,૦૦૦ એકાઉન્ટ ગુમાવ્યા, જે કુલ ઘટાડાના ૨૩% હતા, જ્યારે અપસ્ટોક્સે ૭૬૦,૦૦૦ એકાઉન્ટ ગુમાવ્યા, જે કુલ ઘટાડાના ૨૨% હતા. આ ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન ભારતીય બજારોમાં લાંબા સમય સુધી ચાલતી અસ્થિરતાને પ્રતિબિંબિત કરે છે. ઊંચા ભાવ, ઓછી કોર્પોરેટ કમાણી અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ અંગેની ચિંતાઓએ રોકાણકારોના વિશ્વાસને નબળો પાડયો. વેપાર વિવાદ અને તાજેતરના યુએસ-ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ જેવા આંતરરાષ્ટ્રીય તણાવોએ રોકાણકારોના વિશ્વાસને વધુ ખરડાયો હતો.

આ નબળા બજાર વાતાવરણે આઈપીઓ પર પણ અસર કરી હતી. ઘણા આઈપીઓ  લિસ્ટિંગ વેળા નોંધપાત્ર વળતર ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે નાના રોકાણકારોની ભાગીદારી ઓછી થઈ હતી. 

નોમુરા, ગોલ્ડમેન સક્સ અને મોર્ગન સ્ટેનલી જેવા વૈશ્વિક બ્રોકરેજિસે ૨૦૨૬ ની શરૂઆતથી ભારતીય શેરબજાર પરના તેમના રેટિંગને ઘટાડયા છે. તેમણે આના કારણો તરીકે ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ઊંચા ખર્ચ અને એઆઈ સંબંધિત ખામીઓનો ઉલ્લેખ કર્યો છે. નોમુરાએ નિફ્ટી ૫૦ માટેનો પોતાનો લક્ષ્યાંક પણ ઘટાડીને ૨૪,૫૦૦-૨૪,૯૦૦ કર્યો છે.