For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2023માં એશિયા-પેસિફિક વિસ્તારમાં મંદીની સંભાવના જણાતી નથી : મૂડી'સ

- ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક વેપારમાં મંદ વૃદ્ધિ પડકારરૂપ બની રહેશે

Updated: Nov 24th, 2022

Article Content Image

મુંબઈ : આવતા વર્ષે એશિયા-પેસિફિક વિસ્તારમાં મંદી જોવા મળવાની સંભાવના નથી પરંતુ ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક વેપારમાં મંદ વૃદ્ધિ એશિયા-પેસિફિક માટે વિસ્તારના દેશો માટે પડકારરૂપ બની રહેશે ખરા એમ મૂડી'સ એનાલિટિકસના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

આગામી વર્ષમાં ભારતમાં આર્થિક વિકાસ મંદ રહેશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહ, ટેકનોલોજીમાં ઉત્પાદકતાના લાભો તથા કૃષિ ક્ષેત્ર વિકાસને ટેકો પૂરો પાડશે.

ભારતમાં ફુગાવો ઊંચો જળવાઈ રહેશે તો, રિઝર્વ બેન્કે રેપો રેટ ૬ ટકાથી ઉપર લઈ જવાની ફરજ પડશે જેની અસર આર્થિક વિકાસ દર પર પડી શકે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

મૂડી'સે ઓગસ્ટના રિપોર્ટમાં ૨૦૨૨માં ભારતનો આર્થિક વિકાસ દર ૮ ટકા જ્યારે ૨૦૨૩ માટે ૫ ટકા રહેવા ધારણાં મૂકી હતી. ૨૦૨૧નો આર્થિક વિકાસ દર ૮.૫૦ ટકા જોવાયો હતો.

વૈશ્વિક  વેપારમાં મંદીને  કારણે એશિયા-પેસિફિક વિસ્તારમાં અર્થતંત્ર મંદ પડી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં માત્ર ચીન જ નબળી કડી નથી.  ભારત ખાતેથી નિકાસમાં ઓકટોબરમાં મૂલ્યની દ્રષ્ટિએ નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ચીનની સરખામણીએ વિકાસ માટે ભારત નિકાસ ઓછી નિર્ભરતા ધરાવે છે. 

ભારત સહિત એશિયા પેસિફિકના અન્ય દેશોનો આર્થિક વિકાસ થશે ખરા પરંતુ યુરોપ તથા ઉત્તર અમેરિકામાં અપેક્ષિત મંદીને કારણે  ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૩નું વર્ષ મંદ રહેશે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

આ અગાઉ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન વર્ષ માટે વૈશ્વિક આર્થિક વિકાસ દરનો અંદાજ ૩.૨૦ ટકા અને ૨૦૨૩ માટે ૨.૭૦ ટકા મૂકયો હતો. 

Gujarat