Get The App

અમેરિકામાં મંદીના એંધાણ : કંપનીઓ નાદારીના પંથે

- અમેરિકામાં કંપનીઓની ચેપ્ટર-૧૧ ફાઈલિંગ ૨૦૨૦ના કોરોના મહામારી બાદની ટોચે

- જુલાઈ મહિનામાં કુલ ૭૧ જાહેર અને ખાનગી કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે જૂન કરતાં ૮ વધુ : ઓગસ્ટમાં સ્થિતિ વધુ વણસવાની વકી

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં મંદીના એંધાણ : કંપનીઓ નાદારીના પંથે 1 - image


અમદાવાદ : તાજેતરના રિપોર્ટ અનુસાર અમેરિકન અર્થતંત્રને નાદારી ફાઇલિંગની નવી લહેરનો સામનો કરવો પડયો છે. યુએસમાં બેંકરપ્સી ફાઈલિંગ કોવિડ-૧૯ રોગચાળા બાદના ઉચ્ચતમ સ્તર એટલેકે ૨૦૨૦ પછીની ટોચે પહોંચી ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ મેક અમેરિકા ગ્રેટ અગેઈનના નારા સાથે ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદે બિરાજ્યા હતા. જોકે ટ્રમ્પની ટેરિફ ટેરીરીઝમ થકી આ મનોઈચ્છા હાંસલ કરવાની વૃતિ અમેરિકાને જ ભારે પડી રહી હતી. ટ્રમ્પના ટેરિફ એટેકેથી દેશમાં જ મોંઘવારી વધી રહી છે તો અર્થતંત્ર પણ મંદીમાં ધકેલાઈ હોવાના સંકેત મળી રહ્યાં છે.

બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ અનુસાર ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઘણી લોકપ્રિય બ્રાન્ડો હવે નાદારી માટે અરજી કરી રહી છે. આ સ્થિતિ યુનાઇટેડ સ્ટેટ્સના અર્થતંત્રની કથળતી જતી પરિસ્થિતિને ઉજાગર કરે છે.

એસ એન્ડ ૫૦૦ ગ્લોબલના ડેટા દર્શાવે છે કે આ ઉનાળામાં યુએસ કોર્પોરેટ નાદારી માટે ફાઇલિંગની સંખ્યા ૨૦૨૦ના સ્તરને વટાવી ગઈ છે. બિઝનેસ ઇનસાઇડરના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત મહિને કુલ ૭૧ જાહેર અને ખાનગી કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે જૂન કરતાં ૮ વધુ છે. જૂન મહિનામાં ૬૩ કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી.

રિપોર્ટ અનુસાર, કંપનીઓમાં ફોરેવર ૨૧ અને જોન જેવી કેટલીક પ્રિય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. કારોબારી ખોટ વચ્ચે ભૌતિક હાજરી ઘટાડવા માટે ઘણા અન્ય પ્રખ્યાત રિટેલર્સને તેમના સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી છે. બીજા ક્વાર્ટરમાં ૩ ટકા આર્થિક વૃદ્ધિ સાથે યુએસ શેરબજાર આર્થિક ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે.

કેન ગુડ્સ પ્રોડયુસર ડેલ મોન્ટે ફૂડ્સ જેવી કંપનીઓએ પણ ચેપ્ટર ૧૧ નાદારી માટે અરજી કરી હતી કારણકે તેઓએ માંગમાં ઘટાડો અને ઉચ્ચ ઇન્વેન્ટરી ખર્ચના દબાણ હેઠળ પીસાઈ રહ્યાં છે. અહેવાલ અનુસાર ડેલ મોન્ટે પર ૮થી ૧૦ અબજ ડોલરનું સંયુક્ત દેવું હતું.

જુલાઈના આંકડા રેકોર્ડ નેગેટીવ પોઈન્ટ પર રહ્યાં બાદ અને અત્યાર સુધી કોઈ સુધારો ન થતાં ઓગસ્ટમાં પણ અમેરિકન કોર્પોરેટ સેક્ટર સમાન ચિત્ર જ રજૂ કરશે તેવી આશંકા છે. ફેશન રિટેલર ક્લેર સહિત કેટલીક અગ્રણી કંપનીઓ ઓગસ્ટમાં નાદારી માટે અરજી કરી ચૂકી છે. ક્લેરે ૬ ઓગસ્ટના રોજ તેનું બીજું ચેપ્ટર ૧૧ ફાઇલિંગ સબમિટ કર્યું હતું.

મહત્વની વાત એ છે કે તાજેતરના મહિનાઓમાં એવી કંપનીઓએ નાદારી માટે અરજી કરી છે જેમણે એક સમયે અમેરિકાના માર્કેટ પર રાજ કર્યું હોય. અનેક બ્રાન્ડો ધંધો સંકેલી રહી છે, બંધ કરી રહી છે આ જોતા ઓગસ્ટમાં પણ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.


Tags :