અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવિત કડક દેવા વસૂલાત નિયમોથી નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે પાલન ખર્ચમાં વધારો થવાની ધારણા છે. મોટી કંપનીઓ સિવાય, લોન રિકવરી માટે બાહ્ય એજન્સીઓ (તૃતીય-પક્ષ) પર આધાર રાખતી કંપનીઓને નવા નિયમો અનુસાર દેવા વસૂલાત એજન્ટોની તાલીમ અને દેખરેખને કારણે વધારાના ખર્ચનો સામનો કરવો પડશે.
એનબીએફસીના સુત્રોએ જણાવ્યું હતું કે, જે કંપનીઓ લોન રિકવરીનું કામ બાહ્ય એજન્સીઓને આઉટસોર્સ કરે છે તેમને ખર્ચમાં વધારો થઈ શકે છે. દરેક બાહ્ય લોન રિકવરી એજન્સીને તાલીમ અને પ્રમાણપત્રમાંથી પસાર થવું પડશે અને બેંક અથવા એનબીએફસીના નિયમોનું પાલન કરવું પડશે. આનાથી એનબીએફસી ખર્ચમાં વધારો થશે. જે એનબીએફસી પાસે પોતાની લોન રિકવરી ટીમો નથી તેમના પર નિયમોનો વધુ બોજ પડશે. જો કે, આ નવા નિયમો ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે.
ડ્રાફ્ટ પરિપત્રમાં, રિઝર્વ બેંકે પ્રસ્તાવ મૂક્યો છે કે બેંકો અને તેમની લોન રિકવરી એજન્સીઓ દેવાદારો સાથે કઠોર અથવા બળજબરીભર્યુંં વર્તન કરી શકશે નહીં. ડ્રાફ્ટ નિયમો અનુસાર, અપમાનજનક અથવા ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવો, વારંવાર અથવા અનામી કોલ કરવા, અયોગ્ય સંદેશા મોકલવા, દેવાદાર અથવા તેમના પરિચિતોને હેરાન કરવા, જાહેરમાં તેમનું અપમાન કરવા, હિંસાની ધમકી આપવા અથવા દેવા અને ચુકવણી ન કરવાના પરિણામો વિશે ખોટી માહિતી પ્રદાન કરવા પર સખત પ્રતિબંધ રહેશે.
કેન્દ્રીય બેંકે એ પણ ફરજિયાત કર્યું છે કે લોન રિકવરી એજન્ટો ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સના ડેટ રિકવરી એજન્ટ પ્રોગ્રામ હેઠળ તાલીમ અને પ્રમાણપત્ર મેળવે. એનબીએફસી એ દેવાની વસૂલાતમાં રોકાયેલા કર્મચારીઓ અને એજન્ટો માટે વિગતવાર આચારસંહિતા સ્થાપિત કરવી જોઈએ, અને કામ શરૂ કરતા પહેલા આ નિયમોનું પાલન કરવા માટે તેમની પાસેથી લેખિત બાંયધરી લેવી જોઈએ.


