રિસ્ક વેઈટ માટેના આરબીઆઈના નવા નિયમોને ભારતની બેન્કો સહન કરી શકશે
- આરબીઆઈનો નિર્ણય ક્રેડિટ પોઝિટિવ હોવાનો મૂડી'સનો મત
- કુલ લોનમાં અનસિક્યોર્ડ લોનની માત્રા દસ ટકાની આસપાસ
મુંબઈ : રિઝર્વ બેન્ક દ્વારા રિસ્ક વેઈટમાં કરાયેલા વધારાને ભારતની બેન્કો સહન કરી શકશે કારણ કે તેમની કુલ લોન્સમાં અનસિક્યોર્ડ લોન્સની માત્રા દસ ટકાની આસપાસ છે અને બેન્કિંગ ક્ષેત્રનું એકંદર કેપિટલાઈઝેશન ઐતિહાસિક રીતે ઊંચુ રહેલું છે, એમ મૂડી'સના એક રિપોર્ટમાં જણાવાયું છે.
રિઝર્વ બેન્કનું આપગલું ક્રેડિટ પોઝિટિવ છે કારણ કે બેન્કોએ આવી લોન્સ માટે વધુ મૂડી ફાળવવાની રહેશે.
૧૬ નવેમ્બરના એક નિર્ણય મારફત આરબીઆઈએ દેશની બેન્કો તથા એનબીએફસી માટે કન્ઝયૂમર ક્રેડિટ માટેના રિસ્ક વેઈટેજમાં વધારો કર્યો હતો.
રિસ્ક વેઈટ જે અત્યારસુધી ૧૦૦ ટકા હતું તે વધારી ૧૨૫ ટકા કરાયું છે. સપ્ટેમ્બર ૨૦૨૩ના અંતે અનસિકયોર્ડ લોન્સની માત્રા ૧૦ ટકા આસપાસ રહી હતી. જો કે રિઝર્વ બેન્કના આ નિર્ણયની દરેક ધિરાણદારો પર અસર તેમના અનસિકર્યોર્ડ એકસપોઝર પ્રમાણે અલગ અલગ જોવા મળશે.
બેન્કો દ્વારા એનબીએફસીને પૂરા પડાતા ધિરાણ માટેના રિસ્ક વેઈટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
કન્ઝયૂમર ક્રેડિટના કેટલાક ઘટકોમાં વધી રહેલા પ્રમાણ સામે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં ચિંતા વ્યકત કરી હતી અને વધી રહેલી અનસિક્યોર્ડ લોન્સ ખાસ કરીને પરસનલ તથા ક્રેડિટ કાર્ડસ પેટેના પેમેન્ટસ સામે બેન્કોને સાવચેતી રાખવા સૂચના પણ આપી હતી.
દેશની બેન્કો તથા નાણાંકીય સંસ્થાઓ વચ્ચે લોન્સ છૂટી કરવા મુદ્દે સ્પર્ધાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનસિક્યોર્ડ લોન્સના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
છેલ્લા બે વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રની એકંદર લોન વૃદ્ધિ સરેરાશ ૧૫ ટકા રહી છે, પરંતુ પરસનલ લોન્સમાં ૨૪ ટકા જ્યારે ક્રેડિટ કાર્ડસ પરની લોન્સમાં સરેરાશ ૨૮ ટકા જેટલો વધારો થયો હતો.