RBIના નવા નિયમથી બેન્કોને વધારાના રૂ. 84,000 કરોડની આવશ્યકતા રહેશે
- અનસિક્યોર્ડ લોન માટેના રિસ્ક વેઈટેજમાં ફેરબદલથી અર્થતંત્ર કરતા બેન્કોને વધુ ફટકો પડવાની વકી
Updated: Nov 19th, 2023
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા અનસિક્યોર્ડ લોન માટેના રિસ્ક વેઈટેજમાં વધારો કરાતા દેશની બેન્કિંગ વ્યવસ્થામાં વધારાના રૂપિયા ૮૪૦૦૦ કરોડની આવશ્યકતા ઊભી થશે એમ એસબીઆઈના એક રિપોર્ટમાં જણાવાયું છે.
ઊંચા વ્યાજ દર વચ્ચે લિક્વિડિટી તથા અન્ય વ્યવહારિક પગલાં મારફત રિઝર્વ બેન્ક વિકાસ તથા ફુગાવાના ઈચ્છનિય ધ્યેયને સિદ્ધ કરવા માગે છે એમ પણ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી હોવાનું પીટીઆઈના એક અહેવાલમાં જણાવાયું હતું.
રિસ્ક વેઈટેજ વધારવાનું તાત્કાલિક પરિણામ એ રહેશે કે બેન્કોને વધુ મૂડીની આવશ્યકતા રહેશે. અમારી ગણતરી પ્રમાણે બેન્કિંગ ઉદ્યોગને રૂપિયા ૮૪૦૦૦ કરોડની વધારાની મૂડીની જરૂરત રહેશે.
અનસિકયોર્ડ પરસનલ લોન, ક્રેડિટ કાર્ડસ તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએફસી)ને ધિરાણ માટેના રિસ્ક વેઈટને રિઝર્વ બેન્કે ગુરુવારે વધાર્યો છે.
દેશની નાણાં વ્યવસ્થામાં નાણાં સ્થિરતા સામે પ્રારંભિક જોખમોને પહોંચી વળવા માટે કદાચ રિઝર્વ બેન્કનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે.
૨૦૧૯માં કન્ઝયૂમર ક્રેડિટ માટેના રિસ્ક વેઈટને ૧૨૫ ટકા પરથી ઘટાડી રિઝર્વ બેન્કે ૧૦૦ ટકા કર્યું હતું જે હવે પ્રસ્થાપિત કર્યું હોવાનું ગણી શકાય એમ છે.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે રિઝર્વ બેન્કના નિર્ણયથી દેશના અર્થતંત્ર કરતા બેન્કોને વધુ ફટકો પડશે તેવો મત વ્યકત કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્કના નવા ધોરણ હાઉસિંગ, કાર્સ તથા અન્ય સિકયોર્ડ લોન્સને લાગુ થવાના નથી. કુલ રિટેલ લોન્સમાં આ લોન્સનો હિસ્સો ૭૫ ટકા કરતા વધુ છે તેને ધ્યાનમાં રાખતા દેશના અર્થતંત્ર પર તેની નજીવી અસર રહેશે એમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.