RBIનો મહત્વનો નિર્ણય : રોકાણકારો સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે
- સરકારી સિક્યોરિટીઝમાં નાના ખાનગી રોકાણને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવાના ઉદ્દેશ્યથી ભરાયેલું પગલું
અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે મોનિટરી પોલિસીમાં વ્યાજદર યથાવત રાખવાની સાથે સામાન્ય જનતા માટે ત્રણ મોટા નિર્ણયો લીધા હતા. જનધન બેંક એકાઉન્ટ, નાણાંકીય અસ્કયામતોના વારસાઈ સંબંધિત નિયમો હળવા કરવા ઉપરાંત એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લેતા ભારતના ટ્રેઝરી માર્કેટમાં નાના ટુકડામાં થતા રોકાણને મંજૂરી આપી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેમના રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મની કાર્યક્ષમતા વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈના આ નિર્ણયથી સામાન્ય રોકાણકારો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા ટ્રેઝરી બિલમાં રોકાણ કરી શકશે. સરકારી સિક્યોરિટીઝમાં નાના ખાનગી રોકાણને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.
આ નવી પહેલ અંતર્ગત, રોકાણકારોને નવા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેમને તેમની રોકાણ યોજનાઓને વધુ સારી રીતે સંચાલિત કરવાની અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીની જેમ ટ્રેઝરી બિલમાં ઓટોમેટેડ, રેગ્યુલર રોકાણને સરળ બનાવવાની મંજૂરી આપશે.
નિષ્ણાંતોના મતે આ પગલું દેશના નાના રોકાણકારોના મોટા વર્ગને વધુ એક રોકાણનું મોકળું મેદાન આપશે. એસઆઈપી દ્વારા ટ્રેઝરી બિલમાં રોકાણ કરવાની આ સુવિધા બજારને વધુ ટેકો આપવા માટે એક સકારાત્મક પહેલ છે અને આરબીઆઈની સક્રિય વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે.
અત્રે નોંધનીય છે કે રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મની શરૂઆત ૨૦૨૧માં કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ થકી રોકાણકારો આરબીઆઈ પાસેથી પ્રત્યક્ષ જ સરકારી સિક્યોરિટીઝ ખરીદી અને વેચી શકે છે. હવે નવી એસઆઈપી સુવિધા રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારશે અને રોકાણમાં શિસ્ત અને લાંબા ગાળાની વિચારસરણીને પ્રોત્સાહન આપશે.
વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાના નિયમો સરળ કરાયા
ભારતીય રિઝર્વ બેંકે આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત એક મોટા નિર્ણયમાં 'સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ' ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે દેશની અધિકૃત ડીલર બેંકો વિદેશી બેંકો માટે સીધા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલી શકશે. હવેથી આરબીઆઈ પાસે કોઈ પૂર્વ મંજૂરી લેવી જરૂરી રહેશે નહીં.
આ નિર્ણયને ભારત માટે ધરૂપિયાને વૈશ્વિક ચલણધ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ભારતે રશિયા, શ્રીલંકા, મોરેશિયસ, બાંગ્લાદેશ જેવા દેશો સાથે રૂપિયામાં વેપારને પ્રોત્સાહન આપ્યું છે.
સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ એક ખાસ પ્રકારનું બેંક ખાતું છે, જે વિદેશી બેંકો દ્વારા ભારતીય રૂપિયામાં ટ્રાન્ઝેકશનો માટે ખોલવામાં આવે છે. તેનો હેતુ એ છે કે ભારત અને અન્ય દેશો વચ્ચે વેપાર ભારતીય રૂપિયામાં થાય, જેનાથી ડોલર પર નિર્ભરતા ઓછી થાય.