RBI New Banking Loan Rules: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સામાન્ય લોકોને રાહત આપવા માટે લોન સંબંધિત અનેક મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આરબીઆઇએ લોનને વધુ સરળ બનાવવા તેમજ મોટી રકમની લોન સંબંધિત નિયમો હળવા કરવાની જાહેરાત કરી છે. આ નવા સુધારા સાથે જોડાયેલા ત્રણ નિયમ 1 ઑક્ટોબરથી લાગુ થશે. જ્યારે અન્ય ચાર નિયમો પર વિચારણા ચાલી રહી છે.
જો તમે ફ્લોટિંગ રેટ પર લોન લઈ રહ્યા હોવ તો બૅન્ક તમારા ઈએમઆઇના ત્રણ વર્ષના લૉક-ઈન પીરિયડ પહેલાં પણ ઘટાડો કરી શકશે. જેનો સીધો લાભ લોનધારકોને થશે અને ઈએમઆઇમાં ઘટાડો થશે. વધુમાં ફિક્સ્ડ રેટ પર લોનને ફ્લોટિંગ રેટમાં સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. જો કે, આ સુવિધા ફરિજ્યાત નહીં રહે, બૅન્ક ઇચ્છે તો આ સુવિધા આપી શકશે. જેનાથી લોનધારકોની અનુકૂળતામાં વધારો થશે. તેમજ સમય મુજબ યોગ્ય વ્યાજદર પસંદ કરવું સરળ બનશે.
ગોલ્ડ લોન લેવી સરળ બનશે
જો તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે, હવે માત્ર જ્વેલર્સ જ નહીં, પણ તમામ લોકો કે જેઓ ગોલ્ડનો કાચા માલ તરીકે ઉપયોગ કરી રહ્યા હોવ, જેમ કે કારોબારી, કારીગર વગરે પણ ગોલ્ડની અવેજમાં બૅન્ક પાસેથી લોન લઈ શકશે. જેનાથી નાના ઉદ્યોગો માટે કાર્યકારી મૂડી એકત્રિત કરવી સરળ બનશે.
તદુપરાંત આરબીઆઇએ એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે, ગોલ્ડ મેટલ લોનની પુનઃચૂકવણી સમય મર્યાદા 180 દિવસથી વધારી 270 દિવસ કરવામાં આવી છે. સાથે હવે નોન-પ્રોડ્યુસર જ્વેલરી વેપારી પણ જીએમએલનો ઉપયોગ કરી આઉટસોર્સિંગ કરી શકશે. આ ફેરફાર એમએસએમઈ અને જ્વેલરી સેક્ટર માટે લાભદાયી સાબિત થશે.
બૅન્કોને મૂડી એકત્ર કરવામાં સરળતા મળશે
આરબીઆઇએ બૅન્કો માટે ઑફશોર માર્કેટ મારફત ફંડ એકત્ર કરવાનો માર્ગ મોકળો કર્યો છે. હવે બૅન્ક ફોરેક્સ માર્કેટ તથા રૂપિયામાં બોન્ડ જાહેર કરી વધુ ફંડ એકત્ર કરી શકશે. તેનાથી બૅન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને તેઓ વધુ લોન ફાળવી શકશે. આરબીઆઇએ ભારતમાં કામ કરી રહેલી વિદેશી બૅન્કની શાખાઓ માટે પણ નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે તે મોટી લોન એક્સપોઝર અને ઇન્ટર-ગ્રૂપ ટ્રાન્ઝેક્શન્સ પર નવા નિયમો લાગુ કરશે. જેનાથી જોખમ ઘટાડવામાં મદદ મળશે.
ક્રેડિટ ડેટા વધુ સટીક બનશે
આરબીઆઇએ ભલામણ કરી છે કે, હવે બૅન્ક અને નાણાકીય સંસ્થાઓ દર સપ્તાહે ક્રેડિટ બ્યૂરોને ડેટા મોકલશે, પહેલાં તે પાક્ષિક (બે અઠવાડિયામાં એક વાર) મોકલવામાં આવતો હતો. જેનાથી ક્રેડિટ રિપોર્ટમાં થતી ભૂલો ઘટશે અને સમય રહેતાં તેમાં સુધારો થઈ શકશે. વધુમાં રિપોર્ટમાં હવે સીકેવાયસી નંબર પણ સામેલ કરાશે. જેનાથી ઓળખની પ્રક્રિયા વધુ સરળ બનશે.


