For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

RBIએ એક જ દિવસમાં બેંકિંગ સિસ્ટમમાં રૂપિયા એક લાખ કરોડ ઠાલવ્યા

- ૧૫ માર્ચ પહેલા રિઝર્વ બેંક દરરોજ બેંકિંગ સિસ્ટમમાંથી રોકડ ખેંચી રહી હતી જેની અસર બજાર પર વર્તાઈ હતી

Updated: Mar 18th, 2023

Article Content Image

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરૂવારે કંપનીઓ દ્વારા એડવાન્સ ટેક્સની ચુકવણીને કારણે બેંકિંગ સિસ્ટમમાંથી રોકડના નોંધપાત્ર આઉટફ્લોને ધ્યાનમાં રાખીને સિસ્ટમમાં રૂ. ૧.૧ લાખ કરોડ ઠાલવ્યા છે. ૨૪ એપ્રિલ, ૨૦૧૯ પછી રિઝર્વ બેંક દ્વારા સિસ્ટમમાં આ સૌથી મોટી રોકડ રકમ ઈન્ફયુઝ કરવામાં આવી છે.

આરબીઆઈના તાજેતરના ડેટા અનુસાર સેન્ટ્રલ બેંકે ૧૬ માર્ચે બેંકિંગ સિસ્ટમમાં ૧,૧૦,૭૭૨ કરોડ રૂપિયાની રોકડ જમા કરી છે. ૨૪ માર્ચ, ૨૦૧૯ પછી આ પ્રથમ વખત છે, જ્યારે નિયમનકારે બેંકિંગ સિસ્ટમમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની રોકડ ઉમેરી છે.

લિક્વિડિટીની તંગીની સ્થિતિને કારણે બજારમાંથી ભંડોળ ઊભું કરવા માટેના દરોમાં તીવ્ર વધારો થયો છે. ઇન્ટરબેંક કોલ મની રેટ ૬.૮૦ ટકાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ દર ૬.૫૦ ટકાના રેપો રેટ કરતા ઘણો વધારે છે. આ ૬.૭૫ ટકાના માર્જિનલ સ્ટેડિંગ ફેસિલિટી એટલે કે એમએસએફ દર કરતાં પણ વધારે છે. કોલ રેટમાં વધારો થવાથી બેંક માટે ઉધાર લેવાનો ખર્ચ વધે છે.

વેઇટેડ એવરેજ કોલ રેટ શુક્રવારે ૬.૬૫ ટકા હતો, જે અગાઉના બંધ સમયે ૬.૫૨ ટકા હતો. વેઇટેડ એવરેજ કોલ રેટ એ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીનું કાર્યકારી લક્ષ્ય છે અને મધ્યસ્થ બેન્ક લિક્વિડિટી ઈન્ફયુઝ કરીને વેઈટેજ એવરેજ કોલ રેટને રેપો રેટ સાથે સુસંગત રાખવાનું લક્ષ્ય રાખે છે. 

૧૫ માર્ચ પહેલા રિઝર્વ બેંક દરરોજ બેંકિંગ સિસ્ટમમાંથી રોકડ ખેંચી રહી હતી. રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ સિસ્ટમમાંથી નાણાં ઉપાડવાથી બેન્કો પાસે પડેલી રોકડ પર અસર પડી હતી. તાજેતરના ડેટા સૂચવે છે કે ટેક્સ ફ્લોને કારણે રોકડની તંગી સર્જાવાનો ભય છે.

૨૪ ફેબ્રુઆરીએ સરકારની રોકડ ૧.૮ લાખ કરોડ રૂપિયા હતી. ફેબ્રુઆરીમાં ૫ મહિનાની અસ્થિરતા પછી રિઝર્વ બેંકે બેંકોને રોકડની તંગીનો સામનો કરવામાં મદદ કરવા માટે વેરિએબલ રેટ રેપો ઓપરેશનને ફરી શરૂ કર્યા હતા.

 એપ્રિલ ૨૦૨૨માં બેન્કિંગ સિસ્ટમમાં રોકડ સરપ્લસ લગભગ રૂ. ૭.૪ લાખ કરોડ હતું, જે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘટીને રૂ. ૧.૬ લાખ કરોડ પર આવી ગયું હતું.


Gujarat