RBI MPC Meeting 2026 and Repo Rate : ભારતીય રિઝર્વ બૅંક(RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી(MPC)એ નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ 'Neutral' રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ 'વેઇટ ઍન્ડ વોચ'(થોભો અને રાહ જુઓ)ની નીતિ અપનાવી છે. આ નિર્ણયની સીધી અસર હેઠળ, તમારા હોમ લોન કે કાર લોનના EMI હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દરો સ્થિર રહેશે.
રિઝર્વ બૅંકના ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઊભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બૅંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપો રેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા, પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની EMIમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત્ રહેશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનો બોજ હળવો થવાની આશા હાલ પૂરતી ઠગારી નીવડી છે.


