RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો : EMI નહીં ઘટે
- વિશ્વ વિકાસમાં અમેરિકા કરતાં ભારતનું યોગદાન વધારે છે : ટ્રમ્પની ડેડ ઈકોનોમીવાળી ટિપ્પણી અંગે મલ્હોત્રાનો જવાબ
- ટેરિફ વોર છતાં જીડીપી અંદાજ યથાવત્: ફુગાવાની ધારણાં ઘટાડી ૩.૧૦ ટકા કરાઈ
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે ૫.૫૦ ટકા રેપો રેટ યથાવત રાખવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફની કરાયેલી જાહેરાત બાદ ઊભી થયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય આવી પડયો છે. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાં નીતિની જાહેરાત કરતા ટ્રમ્પની ડેડ ઈકોનોમીવાળી ટિપ્પણી અંગે જણાવ્યું હતુ કે, વિશ્વ વિકાસમાં અમેરિકા કરતાં ભારતનું યોગદાન વધારે છે.
વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસાની સારી પ્રગતિ છતાં રિઝર્વ બેન્કે ટેરિફની અર્થતંત્ર પર શું અસર પડે છે તેનો અંદાજ મેળવવાનું મુનાસિબ માન્યું છે. નાણાં નીતિના ન્યુટ્રલ સ્ટાન્સને પણ એમપીસીએ જાળવી રાખ્યું છે. વ્યાજ દર જાળવી રખાતા લોનના દર અને ઈએમઆઈમાં હાલમાં ઘટાડો નહીં થાય.
ચોમાસાની સારી પ્રગતિ અને આગામી તહેવારોની મોસમ દેશના અર્થતંત્રને ગતિ આપશે પરંતુ વૈશ્વિક વેપાર સામેના પડકારો ચાલુ રહ્યા છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાં નીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું.
ટેરિફને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા છતાં પણ વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના પોતાના ૬.૫૦ ટકાના અંદાજને રિઝર્વ બેન્કે જાળવી રાખ્યો છે અને ફુગાવાની ધારણાં ૩.૭૦ ટકા પરથી ઘટાડી ૩.૧૦ ટકા કરી છેે.
ટ્રમ્પના ટેેરિફને કારણે ઊભા થયેલા જોખમોને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ટેરિફને લઈને અનિશ્ચિતતા હજુપણ પ્રવર્તી રહી છે.
સામાન્ય કરતા સારુ ચોમાસુ, નીચા ફુગાવા, ક્ષમતા ઉપયોગીતામાં વધારો તથા સાનુકૂળ નાણાં સ્થિતિને પરિણામે ઘરઆંગણે આર્થિક પ્રવૃત્તિને ટેકો મળવાનું ચાલુ રહ્યું છેે. મધ્યમ ગાળે ભારતના અર્થતંત્રનું ભાવિ ઉજળુ જણાય છે.
વિકાસ મજબૂત છે અને ધારણાં પ્રમાણે જોવા મળી રહ્યો છે. જો કે ટેરિફને લઈને અનિશ્ચિતતાઓ હજુ ઊભરી રહી છે. નાણાં નીતિમાં ફેરબદલના લાભો હજુ મળવાના ચાલુ છે. વર્તમાન વર્ષમાં ફેબુ્રઆરીથી અત્યારસુધી વ્યાજ દરમાં એક ટકાના કરાયેલા ઘટાડાની અર્થતંત્ર પર અસર હજુ પણ બહાર આવી રહી છે, એમ ગવર્નરે જણાવ્યું હતું.
આર્થિક વિકાસ ટકી રહ્યો છે અને કેટલાક હાઈ ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સે મે-જૂનમાં મિશ્ર સંકેતો આપ્યા હોવા છતાં આર્થિક વિકાસ ધારણાં પ્રમાણે જ થઈ રહ્યો છે. ગ્રામ્ય ઉપભોગ સ્થિતિસ્થાપક છે જ્યારે શહેરી ઉપભોગમાં વધારો મંદ ગતિએ છે ખાસ કરીને વિવેકાધિન ખર્ચમાં વધારો જોવા મળતો નથી, એમ પણ મલ્હોત્રાએ ઉમેર્યું હતું.
લાંબી ભૌગોલિકરાજકીય તાણ, સતત વૈશ્વિક અનિશ્ચિતતા અને વૈશ્વિક નાણાં બજારમાં વોલેટિલિટીથી ગ્રોથ આઉટલુક સામે જોખમ તોળાયેલું છે. આ દરેક મુદ્દાઓનધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા જાળવી રખાયો છે.
ખાધ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે રિટેલ ફુગાવો જૂનમાં ૨.૧૦ ટકા સાથે ૭૭ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે એમ જણાવી ગવર્નરે વર્તમાન નાણાં વર્ષની ફુગાવાની ધારણાં ૩.૭૦ ટકા પરથી ઘટાડી ૩.૧૦ ટકા મૂકી છે.
દરમિયાન રેપો રેટ જાળવી રખાતા હોમ સહિત વિવિધ લોનના દર અને લોન પેટેના ઈએમઆઈમાં હાલમાં ઘટાડો નહીં થાય એમ એક બેન્કરે જણાવ્યું હતું.
બેન્ક ખાતા તથા લોકરને લગતા દાવાની પતાવટ માટે સરળ અને સમાન પ્રક્રિયા લવાશે
બેન્ક ખાતા તથા લોકરને લગતા દાવાની પતાવટ માટે સરળ અને સમાન પ્રક્રિયા લાવવાની રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે જાહેરાત કરી હતી. બેન્ક ખાતા તથા લોકરમાં પડેલી ચીજવસ્તુને લગતા દાવાની પતાવટ માટે દરેક બેન્કોને તેમની પોતાની પ્રક્રિયા અને સિસ્ટમ છે, પરંતુ આમાં હવે સમાનતા અને સરળતા લવાશે એમ નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ જારી કરાયેલા એક નિવેદનમાં ગવર્નરે જણાવ્યું હતું.
મૃત્યુ પામેલા બેન્કના ગ્રાહકના નોમિનીને દાવાની પતાવટમાં સરળતા રહે તે માટે પ્રક્રિયાને સરળ બનાવાશે. આ સંદર્ભમાં એક પરિપત્રક જારી કરી તેના પર જાહેર જનતાના મતો મેળવાશે. દાવાની પતાવટ માટે દરેક બેન્કોને તેમની પોતાની પ્રક્રિયા હોય છે અને તેમના દ્વારા મંગાતા કાગળિયામાં પણ વિભિન્નતા જોવા મળે છે.