Get The App

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા

- ઊંચા ટેરિફને કારણે આર્થિક વિકાસ પર ધારવા કરતા વધુ જોખમ

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા 1 - image


મુંબઈ : ટ્રેડવોરને પરિણામે આર્થિક વિકાસ દરમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળવાની શકયતાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વ્યાજ દરમાં કપાતમાં આક્રમકતા જોવા મળવાની ધારણાં રાખવામાં આવી રહી છે. ફુગાવામાં નરમાઈ પણ રિઝર્વ બેન્ક માટે વ્યાજ દરમાં ઘટાડો કરવા સ્થિતિ સાનુકૂળ બનાવશે એમ બેન્કરો માની રહ્યા છે.

ચીન તથા અમેરિકા વચ્ચે વધી રહેલી ટ્રેડ વોર  ઉપરાંત ભારત પર જાહેર કરાયેલા ઊંચા ટેરિફ દરને કારણે દેશમાં શહેરી ઉપભોગ માગ મંદ પડી શકે છે અને ઈન્વેસ્ટમેન્ટ પણ નબળું પડવાની શકયતા રહેલી છે. આવી સ્થિતિમાં દેશના આર્થિક વિકાસ દર સામે જોખમ તોળાઈ રહ્યું હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.ક્રુડ તેલના ભાવ ઘટી રહ્યા છે અને ફુગાવો પણ ચાર ટકાના ટાર્ગેટ સ્તરે આવી ગયો છે ત્યારે વ્યાજ દર ઘટીને પાંચ ટકા પર આવી જવાની નોમુરા દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. 

ટેરિફ વોરને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજને ૬.૭૦ ટકા પરથી ઘટાડી ૬.૫૦ ટકા અને ફુગાવાની ધારણાં ૪.૨૦ ટકા પરથી ઘટાડી ૪ ટકા મૂકી છે. આ ઉપરાંત પોલિસી સ્ટાન્સ ન્યુટ્રલ પરથી ઘટાડી એકોમોડેટિવ કર્યું છે, જે વ્યાજ દરમાં વધુ કપાતના સંકેત આપે છે. 

વર્તમાન વર્ષમાં રેપો રેટમાં વધુ એક ટકા જેટલો ઘટાડો આવવાની નોમુરાએ ધારણાં મૂકી છે. હવે પછીને દરેક બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં ૦.૨૫ ટકા ઘટાડો કરશે તેવો નોમુરાએ દાવો કર્યો છે. વૈશ્વિક તથા ઘરઆંગણે વિકાસમાં ઘટાડો જોવા મળવાનું જોખમ અંદાજ કરતા વધુ ગંભીર જણાઈ રહ્યું છે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. 

Tags :