રૂપિયાના વિનિમય માટે રિઝર્વ બેન્ક કોઈ ભાવ ટાર્ગેટ રાખતી નથી : મલ્હોત્રા

મુંબઈ : દેશની ફોરેકસ બજારમાં રૂપિયાના વિનિમય માટે રિઝર્વ બેન્ક કોઈ ભાવ મર્યાદા નક્કી કરતી નથી અને બજારની સ્થિતિ પ્રમાણે રૂપિયાને તેનું સ્તર શોધી કાઢવા છૂટ છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું.
વર્તમાન સપ્તાહમાં ડોલર સામે રૂપિયો તૂટીને ૯૦ની સપાટીની બહાર ચાલી ગયા બાદ રિઝર્વ બેન્કની મળેલી પ્રથમ પત્રકાર પરિષદમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં ગવર્નરે જણાવ્યું હતું કે, રૂપિયા માટે અમે કોઈ ભાવ સ્તર અથવા મર્યાદા નક્કી કરતા નથી. રૂપિયાનો ભાવ બજારને નક્કી કરવા દઈએ છીએ. બજારો ખાસ કરીને, લાંબે ગાળે, એકદમ સક્ષમ છે એવું અમે માનીએ છીએ. દેશની ફોરેકસ માર્કેટ એકદમ ઊંડી માર્કેટ છે.
રૂપિયાના ભાવમાં વધઘટ થતી રહે છે. બજારમાં વધુ પડતી અથવા અસામાન્ય વોલેટિલિટી ઘટાડવાનો રિઝર્વ બેન્કનો હમેશા પ્રયાસ રહે છે. અને અમારા આ પ્રયાસો ચાલુ જ રહેશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
નિકાસ મોરચે ભારત સામે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખી આરબીઆઈ ડોલર સામે રૂપિયાની નબળાઈને હાલમાં સહન કરવાનું ચાલુ રાખશે તેવો ફોરેકસ બજારમાં મત પ્રવર્તી રહ્યો છે.
વેપાર ખાધ ઉપરાંત ડોલર ઈન્ફલોસ ધીમો પડવાને પરિણામે ભારત ને હાલમાં બહારી આંચકા લાગી રહ્યા છે.
વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં રિઝર્વ બેન્કે ખુલ્લા બજારમાં ૩૮ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. ગયા વર્ષના ઓકટોબરમાં ડોલરનો ભાવ ૮૪ રૂપિયા જેટલો હતો જે હાલમાં ૯૦ ડોલરની ઉપર પહોંચી ગયો છે.
ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ અમેરિકા દ્વારા વેપારમાં સંરક્ષણવાદની નીતિને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે.








