Get The App

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું

- આજથી પેટીએમ કોઈપણ બેંકિંગ કાર્ય કરી શકશે નહીં : અગાઉ પણ આ બેંકને નવા ગ્રાહકો ઓન બોર્ડ નહીં કરવાનો આદેશ

- પેટીએમ બેંકના કાર્યો બેંક અને તેના થાપણદારોના હિત માટે હાનિકારક રીતે હાથ ધરવામાં આવ્યા હતા : રિઝર્વ બેંક

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું 1 - image

મુંબઈ : પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ૨૪, એપ્રિલથી રદ કરવાનું જાહેર કર્યું છે. જેથી હવે પેટીએમ કોઈપણ બેંકિંગ સંબંધિત કામગીરી કરી શકશે નહીં. આરબીઆઈએ જણાવ્યું હતું કે, થાપણદારોના હિત માટે હાનિકારક રીતે વ્યવસાય કરવામાં આવ્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક તેને જારી કરાયેલા પેમન્ટ્સ બેંક લાઈસન્સના ધોરણોનંર પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. આ સાથે રિઝર્વ બેંક કહ્યું છે કે, હાઈકોર્ટ સમક્ષ બેંકને બંધ કરવા માટે અરજી કરશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ૨૪, એપ્રિલ ૨૦૨૬ના રોજના આદેશ દ્વારા, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને જારી કરાયેલ બેંકિંગ લાઈસન્સ રદ કર્યું છે. જે ૨૪, એપ્રિલ ૨૦૨૬ના કામકાજ બંધ થયા પછી અમલમાં આવશે. જેના પરિણામે, પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને તાત્કાલિક અસરથી કલમ ૫(બી)માં વ્યાખ્યાયિત 'બેંકિંગ' વ્યવસાય અથવા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૬ હેઠળ ઉલ્લેખિત કોઈપણ વધારાના વ્યવસાય કરવા પર પ્રતિબંધ રહેશે અને આરબીઆઈ પેટીએમ બેંકને સમેટી લેવા માટે  હાઈકોર્ટ સમક્ષ અરજી કરશે એમ આઈરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું લાઈસન્સ રદ કરવાના કારણોમાં જણાવાયું છે કે, (૧) બેંકના કાર્યો બેંક અને તેના થાપણદારોના હિત માટે હાનીકાકર રીતે હાથ ધરવામાં આવ્યા હતા.  

આમ બેંક બીઆર એક્ટની કલમ ૨૨(૩)(બી)નું પાલન કરી રહી નથી. (૨) બેંકના સંચાલનનું સામાન્ય થાપણદારોના હિત  તેમ જ જાહેર હિત માટે પ્રતિકૂળ છે. આમ બેંક બીઆર એક્ટની કલમ ૨૨(૩)(સી)ની જોગવાઈઓનું પાલન કરી રહી નથી. (૩) બીઆર એક્ટની કલમ ૨૨(૩)(ઈ)માં જણાવ્યા મુજબ બેંકને ચાલુ રાખવા દેવાથી કોઈ ઉપયોગી હેતું કે જાહેર હિત પૂર્ણ થશે નહીં. (૪) બેંકે તેને જારી કરાયેલા પેમેન્ટ્સ બેંક લાઈસન્સમાં નિર્ધારિત શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે બીઆર એક્ટની કલમ ૨૨(૩)(જી)ની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે, એમ આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

અગાઉ, આરબીઆઈ દ્વારા બેંકને ૧૧, માર્ચ ૨૦૨૨થી નવા ગ્રાહકોને ઓનબોર્ડ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ૩૧, જાન્યુઆરી ૨૦૨૪ અને  ૧૬, ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ આરબીઆઈ દ્વારા બેંક પર કેટલાક વ્યવાસાયિક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા હતા, જેના કારણે હાલના ગ્રાહક ખાતાઓ, પ્રીપેડ સાધનો, વોલેટ્સ વગેરેમાં વધુ ડિપોઝિટ/ક્રેડિટ/ટોપ-અપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.