Get The App

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા

- ચાંદી રૂ.૫૦૦૦ તૂટી : ક્રૂડ ઉછળી ૯૦ ડોલર નજીક : ભાવ ૧૫૦ ડોલર થશે

- વૈશ્વિક સોનાના ભાવ ગબડી ઔંસના ૫૧૦૦ ડોલરની અંદર

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી તથા  ઘટતી બજારે માનસ વેંચવાનું હતું. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના  સમાચાર હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ગબડયા હતા. જ્યારે વિશ્વબજારમાં સોનામાં ભાવ ઔંશના ૫૧૬૯થી ૫૧૭૦ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૫૦૬૩ થઈ ૫૦૯૨થી ૫૦૯૮ ડોલર રહ્યાના સમાચાર હતા. 

દરમિયાન, દુબઈમાંથી સોનાના રવાનગી અટકતાં ત્યાંના બજારોમાં સોનાના ભાવમાં ઔંશના ૩૦ ડોલર જેટલા ડિસ્કાઉન્ટ બોલાતા થયાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદી તથા અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ પીછેહઠ દેખાઈ હતી. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૮૪.૬૮થી ઘટી નીચામાં ભાવ ૮૧.૭૯ થઈ ૮૨.૭૪થી ૮૨.૭૫ ડોલર રહ્યા હતા.

અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ ઘટી રૂ. ૨૬૫૦૦૦ તથા અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૬૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંંશના ૨૧૬૭થી ઘટી નીચામાં ભાવ ૨૧૦૦ થઈ ૨૧૩૪થી ૨૧૩૫ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૬૬૩ વાળા નીચામાં ભાવ ૧૬૧૫ થઈ ૧૬૩૭થી ૧૬૩૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૪ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે વોર ઈફેક્ટા પગલે ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. 

બ્રેન્ટક્રૂડતેલના બેરલના ૮૩.૬૩ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૮૯.૫૦ થઈ ૮૯.૩૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૭.૧૬ વાળા વધી ૮૬.૬૦ થઈ ૮૬.૦૫ ડોલર રહ્યા હતા. અમેરિકાએ રશિયાથી ક્રૂડ ખરીદવા ભારતને ૩૦ દિવસ માટે રાહત આપી હોવાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, વોરના માહોલમાં હવે ૨થી ૩ સપ્તાહમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૧૫૦ ડોલર સુધી પહોંચી જવાની ભીતી કતારના એનર્જી  મિનિસ્ટરે બતાવી હોવાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ રૂ.૧૮૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૪૦૦૦ તૂટયા હતા.

મુંબઈ સોનાના ભાવ ઘટી આજે જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૮૧૧૫ તથા ૯૯૯ના રૂ.૧૫૮૭૫૧ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૬૦૨૭૩ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ પ્લેટીમના ભાવ આજે ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦૦ ઘટયા હતા તથા ભાવ ઘટી રૂ.૬૯૦૭૦ રહ્યા હતા.