Get The App

પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી

- ૨૦૦થી વધુ ખાનગી લિસ્ટેડ કંપનીઓ સેબીના રડારમાં

- ૧૫૦થી વધુ મોબાઈલ અને ૧૦૦થી વધુ કોમ્પ્યુટરોના ડેટા ચકાસતું નિયામક તંત્ર

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી 1 - image


શેલ કંપનીઓના ભાવો વધારી-ચગાવી ઓફલોડ કરવાનું મોટું કૌૈભાંડ

મુંબઈ : ખોખું કંપનીઓ(શેલ કંપનીઓ)ના શેરોના ભાવોને ચગાવીને ઊંચા ભાવે ભોળા રોકાણકારોના ગળામાં આવા શેરો પરોવી દઈ રફુચક્કર થનારી એટલે કે પમ્પ એન્ડ ડમ્પના ચક્રવ્યુહમાં ફસાવનારી ગેંગ સામે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ તપાસ સઘન બનાવીને ગાળીયો કસ્યો હોવાનું જાણવા મળે છે. 

સેબીએ લેભાગુઓ સામેની તેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી પૈકી એક પમ્પ એન્ડ ડમ્પ મામલામાં ૨૦૦થી  વધુ ખાનગી લિસ્ટેડ કંપનીઓ કે જેમાં કૃત્રિમ રીતે શેરોના ભાવો ચગાવવાની શંકાસ્પદ કામગીરીમાં સંડોવાયેલી સંસ્થાઓ સહિત પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસનો વ્યાપ વધાર્યો છે. ઉલ્લેખનીય છે કે, સેબીએ શેલ કંપનીઓના શંકાસ્પદ નેટવર્કની તપાસ તાજેતરમાં મોટાપાયે શરૂ કરી હતી.

આ નેટવર્ક પૈકી ઘણા લેભાગુઓ અમદાવાદથી કાર્યરત હોવાનું અને કથિત રીતે સંકલિત સોશિયલ મીડિયા ઝુંબેશ અને ખોટા વર્ણનો દ્વારા શેરોના ભાવો ચગાવવા, મેનીપ્યુલેશનમાં સંડોવાયા હોવાનું જાણવા મળે છે. આ તપાસ સંબંધિત મળતી માહિતી મુજબ ડેટા મોટાપાયે મેળવાયા છે અને અનેક દરોડા દરમિયાન જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ડિવાઈસીઝ, કોમ્પ્યુટરોની વિગતવાર ફોરેન્સિક તપાસ થઈ રહી છે.

આ બાબતથી પરિચિત લોકોના મતે સેબી હાલમાં અમદાવાદથી સંચાલિત બંધ થયેલી બીએસઈ કંપનીઓને પુન:જીવિત કરવા અને હજારો રોકાણકારોને છેતરવા સહિત અને પમ્પ એન્ડ ડમ્પ સ્કિમોની તપાસ કરી રહ્યું છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, સેબી આ બાબતમાં બીએસઈની તપાસ કરી રહ્યું નથી કે એક્સચેન્જની દોષિતતા પર પણ પ્રશ્ન નથી. ધ્યાન ફક્ત એક્સચેન્જ પર લિસ્ટેડ જૂની નિષ્ક્રિય કંપનીઓ પર છે. નિયામક તંત્ર તપાસ ઝડપી બનાવવા આતુર ચે અને આગામી ત્રણથી છ મહિનામાં આદેશ બહાર પાડવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે.

આ યોજના શેલ કંપનીઓના નેટવર્ક થકી રચાયેલું હોવાનું અને આ કેસમાં ઘણા આરોપીઓ એલએસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પમ્પ એન્ડ ડમ્પ ઉલ્લંઘન સાથે પણ સંકળાયેલા હતા એમ જાણવા મળે છે. સેબી આ કેસોને એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ તરીકે ગણી રહ્યું છે, કેમ કે તેનુ માનવું છે કે, તપાસ નિયમાક તંત્રને આવી વધુ સ્કિમો તરફ દોરી જશે, તેમ જ આ સ્કિમોમાં સામેલ સંસ્થાઓ તરફ દોરી જશે.


Tags :