સરકારને જાહેર સાહસો મારફતે ડિવિડન્ડ રૂપે અત્યાર સુધીમાં 41378 કરોડની ધરખમ આવક થઈ

Dividend News : કેન્દ્ર સરકારને ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં 41378 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે. આ આંકડો સરકારના બજેટમાં નિર્ધારિત વાર્ષિક 69000 કરોડ રૂપિયાના લક્ષ્યાંકના 60% આસપાસનો આંકડો છે.
જોકે ડિવિડન્ડની આવક પાછલા વર્ષની સમાન સમયગાળાના કલેકશન કરતાં પાછળ છે. સીપીએસઈ ડિવિડન્ડની આવક એક વર્ષ પહેલાના સમયગાળામાં 47338 કરોડ રૂપિયા હતી અથવા ૨૦૨૫ના નાણાંકીય વર્ષના બજેટ અંદાજ 56260 કરોડ રૂપિયાના 84 ટકા જેટલી હતી. બજેટ અંદાજની તુલનામાં 2025ના નાણાંકીય વર્ષમાં સરકારની આવક રેકોર્ડ 74129 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ 2026માં સરકાર આ લક્ષ્યાંકને આરામથી પૂર્ણ કરશે તેમાં કોઈ બે મત નથી. જોકે આ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ અને ડિવિડન્ડનો આંકડો વધુ મહત્વપૂર્ણ રહેશે કારણકે જીએસટી ટેક્સ ઘટાડાને કારણે કેન્દ્ર સરકારની કર આવકમાં બજેટ લક્ષ્યાંકની તુલનામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.
ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડાનો ફાયદો ઓએમસી કંપનીઓને થયો છે તેથી જ ઓએનજીસી, આઇઓસીએલ, બીપીસીએલ અને ગેઇલ સહિતની મુખ્ય ઓઈલ અને ગેસ કંપનીઓ દ્વારા મજબૂત ડિવિડન્ડ ચુકવણીને કારણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કંપનીઓ નાણાકીય વર્ષ 2016માં અત્યાર સુધીમાં રૂ. 11340 કરોડ સાથે સરકારને ટોચના ડિવિડન્ડ ચૂકવનારા તરીકે ઉભરી આવ્યા છે.
કંપનીઓ પ્રમાણે જોઈએ તો સરકારના ડિવિડન્ડ ઈન્ફલોમાં એનર્જી અને માઈનિંગ ક્ષેત્રની કંપનીઓનું પ્રભુત્વ યથાવત છે. કોલ ઇન્ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ. 8132 કરોડ સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ ડિવિડન્ડ ફાળો આપનાર કંપની તરીકે ઉભરી આવી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) 5371કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ 3479 કરોડ રૂપિયા, એનટીપીસી 3023 કરોડ રૂપિયા, પાવર ગ્રીડ ૨૬૪૨ કરોડ રૂપિયા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન 2873 કરોડ રૂપિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 2182 કરોડ રૂપિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન 1737 કરોડ રૂપિયા સાથે તબક્કાવાર ક્રમે રહ્યાં હતા.

