આયાતી ખાદ્યતેલોમાં ઘરઆંગણે ઘટાડો: ઉંચા ભાવોએ માંગ ઘટી પાંચ મહિનાના તળિયે ઉતરી
- એરંડા હાજર તથા વાયદા બજારમાં ફરી તેજીનો ચમકારો: આંધ્ર તથા કર્ણાટકમાં મથકોએ નવા સિંગદાણાની આવકો શરૂ થયાના નિર્દેશો
- વિશ્વ બજારમાં ખાદ્યતેલો આંચકા પચાવી ફરી ઉંચકાયા
મુંબઈ, તા. 12 ડિસેમ્બર 2019, ગુરૂવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઉંચા મથાળેથી ઘટાડાની ચાલ આગળ વધી હતી. જોકે ઘટાડો ધીમો રહ્યો હતો. વિશ્વ બજારના સમાચાર આંચકા પચાવી ધીમો સુધારો બતાવતા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૦૭ તથા જેએનપીટીના રૂ.૮૦૩ રહ્યા હતા. હવાલાના ભાવ નીચામાં રૂ.૭૯૮ થયા પછી સાંજે ફરી સાધારણ ઉંચા બતાવાઈ રહ્યા હતા.
ભારતમાં તાજેતરમાં પામતેલના ભાવ ઉંચા જતા ઘણા વપરાશકારો પામતેલના બદલે સનફલાવર તેલ તરફ વળ્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં પામતેલની માગ નવેમ્બરમાં ઘટી પાંચ મહિનાના તળિયે ઉતર્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના ઘટી રૂ.૧૦૪૫ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૪૦ તથા ૧૫ કિલોના રૂ.૧૬૭૦ રહ્યા હતા.
ત્યાં કોટન વોશ્ડના ભાવ ઉંચેથી ઘટી રૂ.૭૯૦થી ૭૯૨ રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ ઘટી રૂ.૮૪૫ બોલાતા હતા. સોયાતેલના ભાવ આજે ડિગમના રૂ.૮૦૫ તથા રિફા.ના રૂ.૮૪૮ રહ્યા હતા. ર્ે સન ફલાવરના ભાવ રૂ.૮૧૦ તથા રિફા.ના રૂ.૮૫૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૮૫ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૨૮૦ બોલાતા હતા.
મુંબઈ બજારમાં આજે દિવેલના ભાવ રૂ.૮ વધી આવ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૨૬૦ વાળા રૂ.૪૩૦૦ બોલાયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૪૨૨૫થી ૩૪૨૩૦ વાળા વધી રૂ.૩૪૪૩૫ રહ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, સિંગદાણામાં આંધ્ર તથર્કર્ણાટક બાજુ નવા માલોની આવકો છૂટીછવાઈ શરૂ થયાના વાવડ મળ્યા હતા. જ્યારે નવી મુંબઈ સિંગદાણા બજારમાં દક્ષિણના નવા માલો હવે ટૂંકમાં શરૂ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન ઘરઆંગણે આજે એરંડા વાયદા બજારમાં સાંજે ડિસેમ્બરના ભાવ રૂ.૫૨ પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં તાજેતરમાં પામતેલમાં ભારતની માગ ધીમી પડી હતી ત્યારે સામે ચીન તથા પાકિસ્તાનની માગ ઊંચી રહ્યાના સમાચાર મળ્યા હતા. મધ્ય-પ્રદેશ ખાતે આજે સોયાબીનની આવકો આશરે પોણા બે લાખ ગુણી આવી હતી તથા ત્યાં ભાવ રૂ.૩૯૭૫થી ૪૦૨૫ રહ્યા હતા. જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૮૦૫થી ૮૧૦ તથા રિફા.ના રૂ.૮૪૮થી ૮૫૩ રહ્યા હતા.