Get The App

ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ

- સસ્તી આયાતને કારણે રૂના ભાવ એમએસપીથી નીચા બોલાઈ રહ્યા છે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ 1 - image


મુંબઈ : અમેરિકાના ૫૦ ટકા ટેરિફને કારણે દેશના ટેકસટાઈલ ક્ષેત્ર સામે ઊભા થયેલા પડકારને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષમાં સરકારે ખેડૂતો પાસેથી વધુ રૂ ખરીદવાની ફરજ પડશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. 

એક તરફ રૂની સસ્તી આયાત અને ટેકસટાઈલ નિકાસ માગમાં ઘટાડાથી દેશમાં રૂનો વપરાશ ધીમો પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ભારતના ટેકસટાઈલની અંદાજે ૩૮ અબજ ડોલરની નિકાસમાંથી ૩૦ ટકા જેટલી નિકાસ અમેરિકા ખાતેથી થાય છે, જેને હવે ફટકો પડયો છે. 

રૂની માગ ઘટી ગઈ છે ઉદ્યોગને માર પડી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોને તેમના રૂના પૂરતા ભાવ મળી રહેવા સામે શંકા છે, એમ કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું. 

દેશના કપાસના ખેડૂતોને ટેકો પૂરો પાડવા સરકારે તેમની પાસેથી વધુ રૂની ખરીદી કરવી પડશે. વર્તમાન વર્ષમાં સરકાર કદાચ ૧.૪૦ કરોડ ગાંસડીની ખરીદી કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. 

નવી મોસમના રૂ માટે સરકારે ટેકાના ભાવ ૭.૮૦ ટકા વધારી ૧૦૦ કિલોના ૮૧૧૦ રૂપિયા જાહેર કર્યા છે. પરંતુ સ્થાનિક બજારમાં ભાવ રૂપિયા ૭૦૦૦ આસપાસ બોલાઈ રહ્યા હોવાનો સુત્રોએ દાવો કર્યો હતો. 

નવી મોસમના પાકના આગમન સાથે આવતા મહિનાથી ભાવ પર વધુ દબાણ આવવાની પણ ધારણાં રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સસ્તા આયાતી રૂની પણ આવક જોવા મળશે. 

ગયા મહિને સરકારે રૂ પરની આયાત ડયૂટીની મુક્તિ વધુ ત્રણ મહિના માટે લંબાવી છે. ડિસેમ્બર સુધી મુક્તિ લંબાવાતા આયાતી રૂ સસ્તુ પડશે. ટેરિફને કારણે પડકારોનો સામનો કરી રહેલા ટેકસટાઈલ ક્ષેત્રને રાહત આપવા આ નિર્ણય આવી પડયો છે. 

ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશની રૂ આયાત વીસ લાખ ગાંસડીથી વધુ રહેવાની અપેક્ષા છે. 

સરકારી સંસ્થા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ખેડૂતો પાસેથી રૂની ખરીદી કરે છે. સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહેલા વર્તમાન ૨૦૨૪-૨૫ની માર્કેટિંગ યરમાં કોર્પોરેશને રૂપિયા ૩૭૪ અબજના ખર્ચે ખેડૂતો પાસેથી એક કરોડ ગાંસડી રૂ ખરીદ કર્યું હોવાનો સરકારી સુત્રોએ દાવો કર્યો હતો.

Tags :