MSCIમાં મોટા ફેરફારની તૈયારી, ભારતમાં 1 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવશે
- HDFC સૌથી વધુ વેઈટેજ ધરાવતો સ્ટોક બનશે, Hyundai Motorsમાં સૌથી વધુ 25 કરોડ ડોલરનું રોકાણ અપેક્ષિત
અમદાવાદ : વૈશ્વિક ઇન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈએ ફેબ્રુઆરી મહિના માટે તેના સૂચકાંકોમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફારો ૨૮ ફેબ્રુઆરીએ બજાર બંધ થયા પછી અમલમાં આવશે. આ ફેરફારના ભાગ રૂપે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડને એમએસસીઆઈના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવી શકે છે. ફેબ્રુઆરી સમીક્ષામાં એમએસસીઆઈ દ્વારા તેના વૈશ્વિક માનક સૂચકાંકમાં સમાવિષ્ટ થનાર આ એકમાત્ર ભારતીય લાર્જ-કેપ સ્ટોક હશે. હ્યુન્ડાઇ મોટરની સામે અદાણી ગ્રીન લિમિટેડના શેરને ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવ્યા છે.
હ્યુન્ડાઇ ઇન્ડિયા ઉપરાંત એમએસસીઆઈ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ઘણા ભારતીય શેરોનું વેઈટેજ વધ્યું છે. તેમાં ઇન્ડસઇન્ડ બેંક, ઝોમેટો લિમિટેડ, વરુણ બેવરેજીસ લિમિટેડ, મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, ડિક્સન ટેક્નોલોજીસ (ઇન્ડિયા) લિમિટેડ, પીબી ફિનટેક લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને વોલ્ટાસ લિમિટેડનો સમાવેશ થાય છે.
સામે પક્ષે તે શેરમાં વેઇટેજ સૌથી વધુ ઘટયું છે તેમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.
આ ફેરફાર બાદ એચડીએફસી બેંક હવે ભારતીય શેરોમાં એમએસસીઆઈ ઇન્ડેક્સમાં સૌથી વધુ વેઇટેજ ધરાવતો સ્ટોક બની ગયો છે. આ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસિસ અને ભારતી એરટેલનો ક્રમ આવે છે.
સ્મોલ-કેપ સેગમેન્ટમાં એમએસસીઆઈ ઈન્ડેકસે ૧૯ ભારતીય શેર ઉમેર્યા અને ઇન્ડેક્સમાંથી તેટલા જ શેર દૂર કર્યા. ટોચના ૧૦ નવા શેરોમાં જ્યોતિ સીએનસી, ઓલા, કાર ટ્રેડ, એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટીબીઓ ટેક, વેબસોલ એનર્જી, ઝેગલ પ્રીપેડ, શૈલી એન્જિનિયરિંગ, કોવાઈ મેડિકલ અને ગ્રીવ્સ કોટન લિમિટેડનો સમાવેશ થાય છે.
નુવામા અલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચના એક અહેવાલ મુજબ એમએસસીઆઈના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં જે ભારતીય શેરોનું વેઈટેજ વધ્યું છે તેઓ લગભગ ૮૫ કરોડથી ૧ અબજ ડોલર એટલેકે અંદાજે ૮૫૦૦ કરોડ આસપાસના પેસિવ ઈન્વેસ્ટમેન્ટને આકષત કરી શકે છે. તેમાંનો સૌથી મોટો લાભાર્થી હ્યુન્ડાઇ હશે, જેમાં લગભગ ૨૫ કરોડ ડોલરનું રોકાણ અપેક્ષિત છે.