વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું
- પ્લેટિનમ તથા પેલેડિયમમાં જોવા મળેલા સામસામા રાહ
મુંબઈ : વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવ ફરી ઊંચકાતા સ્થાનિકમાં સોનાચાંદીમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. મુંબઈ બજારમાં સોનાએ ફરી ૯૭૦૦૦ રૂપિયાની સપાટી પાર કરી હતી. સોના પાછળ ચાંદીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ક્રુડ તેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો વર્ષના અંતિમ ભાગમાં જોવા મળશે તેવા સંકેત ફેડરલ રિઝર્વની જૂન બેઠકની મિનિટસ પરથી મળ્યા હતા. વ્યાજ દરમાં કપાત અને અનિશ્ચિત વેપાર નીતિ ડોલર માટે નેગેટિવ બની શકે છે તેવી ગણતરીએ ફન્ડોની ગોલ્ડમાં લેવાલી નીકળી હતી.
પ્લેટિમન તથા પેલેડિયમમાં સામસામા રાહ રહ્યા હતા.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૯૬૦૮૫ રહ્યા હતા તે ગુરવારે વધી રૂપિયા ૯૭૦૪૬ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૯૬૬૫૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ પણ વધી જીએસટી વગર રૂપિયા ૧૦૭૯૩૪ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ વધી રૂપિયા ૯૯૮૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૯૫૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૭૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ વધી પ્રતિ ઔંસ ૩૩૨૬ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૬.૭૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ સાધારણ ઘટી ૧૩૪૯ ડોલર જ્યારે પેલેડિયમ બાવીસ ડોલર ઉછળી ૧૧૩૩ ડોલર મુકાતું હતું.
ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈનો પ્રતિ બેરલ ભાવ ૬૮.૦૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૯.૯૩ ડોલર બોલાતુ હતું. ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને અમેરિકામાં ક્રુડ તેલની ઈન્વેન્ટરી વધીને આવતા ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.