ભારતીય ઇક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણમાં રૂકાવટ આવે તેવી સંભાવના
- તેલની વધતી કિંમતો, વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની નીતિ, બોન્ડ યીલ્ડમાં સુધારો અને ડોલર ઇન્ડેક્સમાં વધારા વચ્ચે પ્રવાહ એકંદર મધ્યમ રહેશે
Updated: Sep 19th, 2023
અમદાવાદ : વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણમાં ટૂંકા ગાળામાં રૂકાવટ આવે તેવી સંભાવના છે. તેનું કારણ ક્રૂડ તેલની વધતી કિંમતો, વૈશ્વિક કેન્દ્રીય બેંકોના નીતિગત પગલાં, બોન્ડ યીલ્ડમાં વધારો અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી છે. માર્કેટ રેકોર્ડ હાઈએ પહોંચ્યું હોવાથી વેલ્યુએશન મોંઘા લાગે છે. આગામી દિવસોમાં વિદેશી રોકાણકારો વેચવાલી કરી શકે છે.
યુએસમાં બોન્ડની ઊંચી ઉપજ (૧૦-વર્ષના બોન્ડ ૪.૨૮ ટકા) અને ડોલર ઇન્ડેક્સ ૧૦૫ને વટાવવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વધુ વેચાણ થવાની ધારણા છે. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરબજારોમાંથી રૂ. ૬,૦૨૭ કરોડ ઉપાડી લીધા હતા અને ૨૦૨૩માં ભારતીય શેરોમાં તેમનું ચોખ્ખું રોકાણ રૂ. ૧.૩૧ લાખ કરોડ હતું.
તેનાથી વિપરીત, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડીઆઈઆઈએ અનુક્રમે રૂ. ૭,૬૬૪ કરોડ (૧૨ સપ્ટેમ્બર સુધી) અને રૂ. ૧૦,૨૩૦ કરોડ (૧૫ સપ્ટેમ્બર સુધી)નું રોકાણ કર્યું હતું.
ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો ફરી એકવાર ફુગાવાને વેગ આપશે અને કેન્દ્રીય બેંકો વ્યાજદર વધારવાનો આગ્રહ રાખશે, જેની વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર થઈ શકે છે. આ અઠવાડિયે યુએસ મોનેટરી પોલિસી પહેલા, વૈશ્વિક રોકાણકારોની પ્રવૃત્તિ અસ્થિર રહી શકે છે અને તેલના ભાવ અને યુએસ બોન્ડની ઉપજ વધી શકે છે.
ટેકનિકલ દ્રષ્ટિકોણથી, વિશ્લેષકો માને છે કે છેલ્લા કેટલાક મહિનામાં જોરદાર રેલી બાદ બજાર ધીમું પડી શકે છે. તેમનું કહેવું છે કે નિફ્ટી-૫૦ ઈન્ડેક્સ ૨૦,૩૦૦ના રેઝિસ્ટન્સની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ઘટાડાના કિસ્સામાં, ૧૯,૭૦૦-૧૯,૯૫૦ની રેન્જ નિફ્ટી માટે સપોર્ટ તરીકે કામ કરશે. જ્યારે આ ઇન્ડેક્સ ૨૦,૩૦૦ને પાર કરે તો તેને ધીમે ધીમે ૨૦,૭૦૦ના સ્તરને સ્પર્શવામાં મદદ મળશે.