Explainer: પેટ્રોલ પંપના બિઝનેસનું A to Z, જાણો કમાણીનું ગણિત, અરજી કરવાના નિયમો અને સંપૂર્ણ પ્રક્રિયા
Petrol Pump Business: પેટ્રોલ-ડીઝલ વગરની જિંદગીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કેમ કે આજના ઝડપી જમાનામાં એક અથવા બીજા પ્રકારના વાહન વિના આપણા કામની ગાડી દોડતી જ નથી. દરેક જણને વાહન જોઈએ, ને વાહન દોડાવવા માટે પેટ્રોલ અને ડીઝલ જેવા ફ્યુલની જરૂર પડે. ત્યારે સ્વાભાવિક રીતે જ વિચાર આવે છે કે, ફ્યુલ પંપના માલિકોને તો પેટ્રોલ-ડીઝલના વેચાણથી બખ્ખાં થઈ જતાં હશે! દેશમાં વાહનોની સંખ્યા પણ સતત વધી રહી હોવાથી ફ્યુલ વેચાણની કમાણી તો વધતી જ જવાની. તો શું ખરેખર આ ધંધો એટલો નફાકારક છે ખરો? ચાલો, આજે સમજીએ ફ્યુલનું ગણિત અને જાણીએ કે પેટ્રોલ અને ડીઝલના વેચાણથી કેટલી કમાણી થતી હોય છે.
કમિશન આધારિત વ્યવસાય
પેટ્રોલ અને ડીઝલ વેચનારને નિશ્ચિત કમિશન મળતું હોય છે, જે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલું હોય છે. તેથી ફ્યુલ વેચનાર નફો વધારવા માટે તેમાં કોઈ વધારો કરી શકતા નથી. દિલ્હીનું ઉદાહરણ લઈને એક લિટર પેટ્રોલ વેચવા પર પંપ માલિકને કેટલી કમાણી થાય છે એ સમજીએ.
- પેટ્રોલની કુલ કિંમત: ₹ 94.77 પ્રતિ લિટર
- બેઝ કિંમત: ₹ 52.83 પ્રતિ લિટર
- કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી: ₹ 21.90 પ્રતિ લિટર
- રાજ્ય સરકારનો વેટ: ₹ 15.40 પ્રતિ લિટર
- અન્ય નાના ખર્ચ: ₹ 0.24 પ્રતિ લિટર
- પંપના માલિકને મળતું કમિશનઃ ₹ 4.40 પ્રતિ લિટર
એક લિટર ડીઝલ પર કેટલી આવક થાય છે?
- દિલ્હીમાં વેચાતા એક લિટર ડીઝલના ભાવનું વિભાજન
- ડીઝલની કુલ કિંમત: ₹ 87.67 પ્રતિ લિટર
- મૂળ કિંમત: ₹ 53.75 પ્રતિ લિટર
- કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી: ₹ 17.80 પ્રતિ લિટર
- રાજ્ય સરકારનો વેટ: ₹ 12.83 પ્રતિ લિટર
- અન્ય નાના ખર્ચ: ₹ 0.26 પ્રતિ લિટર
- પંપના માલિકનું કમિશનઃ ₹ 3.03 પ્રતિ લિટર
ખર્ચ સામે આવક કેટલી?
ફ્યુલ પંપ પર સરેરાશ 10-12 કર્મચારીઓ કામ કરતાં હોય છે. તેમના પગાર, પંપ પરની ઈલેક્ટ્રિસિટી, પંપ પરિસરની જાળવણી વગેરે માટે મોટો ખર્ચ થતો હોય છે.
દિવસે સરેરાશ 5,000 લિટર પેટ્રોલનું વેચાણ થતું હોવાનું ધારીએ તો પંપ માલિકને દરરોજ લગભગ ₹ 22,000 કમિશન મળતું હોય છે. તમામ ખર્ચ બાદ કરતાં દિવસનો ₹ 10,000 સુધીનો નફો મળતો હોય છે.
ડીઝલની વાત કરીએ તો, જો પ્રતિ દિન 5,000 લિટર ડીઝલ વેચાતું હોય તો આશરે ₹ 15,150 કમિશન મળતું હોય છે, જેમાંથી ખર્ચ બાદ ₹ 7,500 મળતા હોય છે.
આ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેનો ભેગો નફો ગણીએ તો દિવસને અંતે સરેરાશ ₹ 15,000 સુધીની કમાણી થઈ શકે છે. આ આવકનું પ્રમાણ ફ્યુલ પંપના લોકેશન અને ફ્યુલ વેચાણની માત્રા પર આધાર રાખે છે.
પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડી
એવું કહેવાય છે કે, ભારતમાં લગભગ તમામ પંપ પર પેટ્રોલ-ડીઝલ આપવામાં છેતરપિંડી થાય છે. જેમ કે, કોઈ ગ્રાહક રૂ. 100નું પેટ્રોલ પૂરાવે, તો તેને પૂરેપૂરું પેટ્રોલ નથી મળતું એ સામાન્ય બાબત છે. પંપ પર નોકરી કરતા કર્મચારીઓ પણ પેટ્રોલ ભરવામાં છેતરપિંડી કરતા હોય છે, એ વાત જગજાહેર છે. એટલું જ નહીં, કેટલાક પંપ પર પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળના પણ આરોપ થઈ ચૂક્યા છે. આ કારણસર તમામ ગ્રાહકે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે સાવચેત રહેવું જરૂરી છે.
ફ્યુલ પંપ કઈ રીતે શરૂ કરી શકાય?
- જો તમે ફ્યુલ પંપ શરૂ કરવા ઈચ્છતા હો તો તમારે આ શરતોનું પાલન કરવું પડે.
- તમારી ઉંમર 21 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- તમે ભારતના નાગરિક હોવા જોઈએ.
- પંપ માટે પોતાની જમીન ફરજિયાત નથી, ભાડાની જમીન પણ ચાલે.
- શહેરી વિસ્તારમાં પંપ શરૂ કરવા 800થી 1200 ચોરસ મીટર જમીન હોવી જરૂરી છે.
- ગ્રામ્ય વિસ્તારમાં પંપ શરૂ કરવા 1200થી 1600 ચોરસ મીટર જમીન હોવી જરૂરી છે.
અરજી કઈ રીતે કરવી?
IOCL, BPCL, HPCL, Reliance જેવી ઓઈલ કંપનીઓ દ્વારા સમયાંતરે ડીલરશિપ માટેની જાહેરાત કરાય છે. એ માટેની અરજી ઓનલાઇન કરવાની હોય છે. તે માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના દસ્તાવેજો, NOCની જરૂર પડે છે. વધુ વિગતો www.iocl.com અને www.reliancepetroleum.com પર ઉપલબ્ધ છે.
ફ્યુલ પંપ ખોલવા કેટલું નાણું જોઈએ?
સારી આવક હોવા છતાં એ હકીકત છે કે ફ્યુલ પંપ શરૂ કરવામાં અમુક પડકાર પણ છે. જેમ કે, એના માટે મોટા રોકાણની જરૂર પડે છે. ગ્રામીણ વિસ્તારમાં ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાની જરૂર પડે છે, જ્યારે શહેરી વિસ્તારમાં 40થી 50 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું થાય છે. મોટા શહેરોમાં તો રૂ. એખ કરોડથી વધુનું રોકાણ જોઈએ એવું પણ બની શકે. એમાં ફ્યુલની ટાંકીઓ, ડિસ્પેન્સર અને માળખાગત સુવિધાનો ખર્ચ પણ સામેલ છે. સારી વાત એ છે કે, ફ્યુલ પંપ ખોલવા માટે બેંકો પણ રૂ. 2 કરોડ સુધીની લોન આપે છે.
સ્થિર અને સારો નફો, છતાં આ વ્યવસાય અઘરો
ફ્યુલ પંપ ખોલવા માટે ફક્ત પૂરતું નાણું હોય એટલું પૂરતું નથી. તેનું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જટિલ હોય છે. આ ઉપરાંત સ્પર્ધા પણ વધુ હોય છે. અલબત્ત, વાહન વ્યવહાર વધુ હોય એવા વિસ્તારમાં ફ્યુલ પંપ શરૂ કરીને યોગ્ય વ્યૂહરચનાથી ચલાવાય, તો આ વ્યવસાય દાયકાઓ સુધી સ્થિર અને સારો નફો આપી શકે છે.