વ્યક્તિગત લોનધારકોનું માથા દીઠ દેવું છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધ્યું
- હોમ લોનમાં સ્થિર વૃદ્ધિને પરિણામે માથાદીઠ દેવામાં વધારો
મુંબઈ : દેશમાં વ્યક્તિગત લોનધારકોનું માથા દીઠ દેવું છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધ્યું હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે. માર્ચ, ૨૦૨૩માં માથા દીઠ દેવાનો આંક જે રૂપિયા ૩.૯૦ લાખ કરોડ હતો તે માર્ચ ૨૦૨૫ના અંતે વધી રૂપિયા ૪.૮૦ લાખ કરોડ પહોંચી ગયું છે.
રહેઠાણ લોનમાં સ્થિર વધારાને પરિણામે માથાદીઠ દેવાના સ્તરમાં વધારો થયાનું રિઝર્વ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે. માર્ચ, ૨૦૨૫ના અંતે કુલ પારિવારિક દેવામાં રહેઠાણ લોનનો હિસ્સો ૨૯ ટકા રહ્યો હતો.
મૂલ્ય સામે લોનની માત્રામાં થઈ રહેલા વધારા સામે રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે. મૂલ્ય સામે ૭૦ ટકાથી વધુની લોન ધરાવતા લોનધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
તાજેતરના વર્ષોમાં ભારતીય પરિવારોના દેવામાં વધારો થઈ રહ્યો છે.
ડિસેમ્બર, ૨૦૨૪ના અંતે દેશમાં પારિવારિક દેવાનો આંક જીડીપીના ૪૧.૯૦ ટકા રહ્યો હતો. જો કે અન્ય ઊભરતી બજારોની સરખામણીએ ભારતનું આ સ્તર પ્રમાણમાં નીચું છે.
માર્ચ, ૨૦૨૫ના અંતે કુલ પારિવારિક દેવામાં ઉપભોગ માટેની લોનનો હિસ્સો ૫૪.૯૦ ટકા રહ્યો હતો. લાંબા ગાળાની નાણાંકીય સ્થિરતાની ખાતરી રાખવા પારિવારિક દેવાના ટ્રેન્ડસ પર નજર રાખવા પર પણ રિપોર્ટમાં ભાર અપાયો છે.