ઓકટોબરમાં PE તથા VC રોકાણ મૂલ્યમાં વધારો પરંતુ સોદામાં ઘટાડો
- ગત મહિને સૌથી વધુ રોકાણ નાણાંકીય સેવા ક્ષેત્રમાં જોવા મળ્યું

મુંબઈ : ઓકટોબરમાં પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) તથા વેન્ચર કેપિટલ (વીસી) ઈન્વેસ્ટમેન્ટસમાં મૂલ્યની દ્રષ્ટિએ વધારો થયો છે, પરંતુ સોદાની સંખ્યામાં ઘટાડો થયાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.
ગયા વર્ષના ઓકટોબરમાં ૪.૯૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં પીઈ તથા વીસી રોકાણનો આંક આઠ ટકા ૫.૩૦ અબજ ડોલર રહ્યો હતો.
સોદાની સંખ્યા જે ગયા વર્ષના ઓકટોબરમાં ૧૧૨ રહી હતી તે ઘટી ૧૦૨ રહેવા પામી છે. મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ રોકાણ ૨૯૨ કરોડ ડોલર સાથે નાણાંકીય સેવા ક્ષેત્રમાં જોવા મળ્યું છે જ્યારે ૭૧.૫૦ કરોડ સાથે ઈ-કોમર્સ ક્ષેત્રનો ક્રમ બીજો રહ્યો છે. ટેકનોલોજી ક્ષેત્રમાં આ આંક ૪૫.૫૦ કરોડ ડોલર રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થઈ રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ગત વર્ષના ઓકટોબરમાં ૮૮.૪૦ કરોડ ડોલરની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબરમાં સ્ટાર્ટઅપમાં બે અબજ ડોલરનું રોકાણ આવ્યું છે.
ફન્ડો દ્વારા એક્ઝિટની દ્રષ્ટિએ કુલ ૬૪ કરોડ ડોલરની ૧૪ એક્ઝિટ જોવા મળી છે, જે ગયા વર્ષના ઓકટોબરમાં ૧.૧૦ અબજ ડોલરમાં ૧૦ એક્ઝિટ રહી હતી. એક્ઝિટના કુલ મૂલ્યમાં ઓપન માર્કેટમાં ત્રણ ડીલ્સ મારફત ૨૩.૪૦ કરોડ ડોલરની એક્ઝિટ રહી હતી.

