પામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: મલેશિયામાં ઉત્પાદન ઘટયાના નિર્દેશો
- વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ ધપતી તેજી :ખાદ્યતેલોના વાયદાઓ પણ ઉછળ્યા : એરંંડા તથા દિવેલ પણ ઉંચકાયું
મુંબઈ, તા. 06 ડિસેમ્બર 2019, શુક્રવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં તેજી આગળ વધી હતી. પામતેલના ભાવ વધુ ઉછળતાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. પામતેલમાં અમુક રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના ભાવ આજે વધી રૂ.૮૦૦ની સપાટીએ પહોંચ્યા હતા. જોકે આ ભાવોએ નવા વેપાર ખાસ ન હતા.
પામતેલના હવાલા રિસેલના ભાવ આજે વધી ૧૦ કિલોના રૂ.૭૯૦ તથા જેએનપીટીના રૂ.૭૮૫ રહ્યા હતા. વેપારો ધીમા બહતા. પામતેલના રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના વેપાર રૂ.૭૯૦થી ૭૯૧માં આશરે ૩૦૦ ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી આજે ૧૦ કિલોના રૂ.૬૯૭ બોલાયા હતા. જ્યારે વાયદા બજારમાં આજે સીપીઓ વાયદાના ભાવ રૂ.૬૯૫ રહ્યા પછી ઉછળી રૂ.૭૦૦ પાર કરી રૂ.૭૦૮ થયા પછી સાંજે ભાવ રૂ.૭૦૫.૧૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૪૦.૬૦ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૫૦.૪૦ થઈ સાંજે ભાવ રૂ.૮૪૫.૬૦ બોલાઈ રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે હાજરમાં ૧૦ કિલોદીઠ ભાવ સિંગતેલના રૂ.૧૦૩૫ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૦૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૬૩૦થી ૧૬૪૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૯૦ જયારે મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૩૦થી ૮૩૨ બોલાતા થયા હતા. સોયાતેલના હાજર ભાવ ઉછળી ડિગમના રૂ.૮૦૦ તથા રિફા.ના રૂ.૮૪૦ રહ્યા હતા.
જ્યારે સનફલવારના ભાવ વધી રૂ.૮૦૦ તથા રિફા.ના રૂ.૮૪૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ વધી રૂ.૮૩૦ બોલાયા હતા. દિવેલના ભાવ આજે ૧૦ કિલોના ઝડપી રૂ.૨૩ ઉછળ્યા હતા. જ્યારે મુંબઈ એરંડાના હાજર ભાવ આજે રૂ.૪૧૩૫ વાળા ઉછળી રૂ.૪૨૫૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોયાતેલના ભાવ સામે ક્રૂડ પામ ઓઈલના ભાવ ઉંચા બોલાતા થતાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો.
મલેશિયામાં ડિસેમ્બરના પ્રથમ પાંચ દિવસમાં પામતેલનું ઉત્પાદન આશરે ૧૮થી ૧૯ ટકા જેટલું ઘટયું છે. ઘરઆંગણે મધ્ય પ્રદેશ બાજુ આજે સોયાબીનની આવકો આશરે ૩ લાખ ગુણી આવી હતી તથા ત્યાં ભાવ રૂ.૩૯૦૦થી ૪૦૦૦ રહ્યા હતા. જ્યારે ત્યાંં સોયાતેલના ભાવ રૂ.૩૯૦૦થી ૪૦૦૦ રહ્યા હતા. જ્યાકે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૮૦૦થી ૮૦૫ તથા રિફા.ના રૂ.૮૪૦થી ૮૪૫ રહ્યા હતા.
મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૧૫ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૬૫ હજાર ગુણી નોંધાઈ હતી. તથા મથકોએ ૨૦ કિલોના ભાવ રૂ.૮૦૦થી ૯૫૦ રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં આજે સાંજે ભાવ રૂ.૫૮ તથા રૂ.૪૪ પ્લસમાં રહ્યા હતા. અમેરિકામાં શિકાગો તથા ન્યુયોર્ક બજારમાં આજે સાંજે પ્રોજેકસનમાં ભાવ સોયાબીન, સોયાખોળ, સોયાતેલ તથા કોટન વાયદાના ઉંચા બોલાઈ રહ્યા હતા.