પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો
- સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવમાં મંદીને બ્રેક: સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટયા મથાળેથી ફરી ઉંચકાયાના નિર્દેશો
- ભારતે ડયુટી ઘટાડી: વિશ્વ બજારમાં મિશ્ર પ્રત્યાઘાતો
મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટાડાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ વધ્યાના વાવડ હતા.
મલેશિયામાં આજે પામતેલ વાયદો ૫૦થી ૫૬ પોઈન્ટ ઉંચકાયો હતો. દરમિયાન, ભારતમાં પામતેલની આયાત મે મહિનામાં ૮૭ ટકા વધી છ લાખ ટન આવતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયાના વાવડ હતા. દેશમાં જાન્યુઆરીથી એપ્રિલમાં પામતેલની આયાતમાં ઘટાડો થયા પછી મે મહિનામાં આવી આયાત ફરી બાઉન્સ બેક થતી જોવા મળી છે. દરમિયાન, દેશમાં મે મહિનામાં સોયાતેલની આયાત ૧૦ ટકા વધી છે. સનફલાવર તેલની આયાત પણ ઉંચકાઈ છે.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૩૬૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૧૨૬૦ વાળા રૂ.૧૨૭૦ રહ્યા હતા. આયાતી પામતેેલના ભાવ રૂ.૧૧૬૦ જ્યારે સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૧૯૦ના મથાળે જળવાઈ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ વધી રૂ.૧૨૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૪૦ રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે ફરી તંદદીલી વધતાં સનફલાવરની આયાત પર અસર પડવાની નીતિ જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૪૦૦ તથા રિફાઈન્ડના ભાવ રૂ.૧૪૩૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના ભાવ હાજર ભાવ આ જે રૂ.૪ વધતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૨૦ વધ્યા હતા. જો કે એરંડા વાયદા બજારમાં ભાવ રૂ.૧૮થી ૨૦ નરમ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૮૦૦થી ૯૦૦ ઉંચકાયા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા.
અમેરિકાના બજારોમાં આજે પ્રોજેકશનમાં સોયાતેલના ભાવ જો કે નરમ રહ્યા હતા.જ્યારે સોયાબીનના ભાવ તથા સોયાખોળના ભાુવ પ્લસમાં રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોટન વોશ્ડના ભાવ ઘટતા અટકી ફરી વધી રૂ.૧૨૦૦ પાર કરી રૂ.૧૨૦૦થી ૧૨૦૫ રહ્યા હતા. કંડલા પામોલીનના ભાવ રૂ.૧૧૫૦ રહ્યા હતા. સોયાબીનની આવકો મહારાષ્ટ્રમાં ૭૦ હજાર તથા મધ્ય પ્રદેશમાં ૧ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી. મલેશિયામાં મેમાં પામતેલનું ઉત્પાદન ૩.૫૦થી ૩.૫૫ ટકા વધ્યાના સમાચાર હતા.
સૌરાષ્ટ્ર-ગોડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૩૨૫થી ૧૩૫૦ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડમાં રૂ.૧૨૭૦ રહ્યા હતાચ. કંડલા ખાતે સોયાતેલ ડિગમના ભાવ રૂ.૯૬૫ રહ્યા હતા. વૈશ્વિક સોયાબીનના ભાવ ૭ સપ્તાહના તળિયે ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકામાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીન, સોયાખોળ તથા સોયાતેલના ભાવ ઘટયાના વાવડ હતા.