ગત મહિને પામ ઓઈલની આયાત ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી
- સોયાઓઈલની ખરીદીમાં તહેવારો પહેલા વધારો
મુંબઈ : પામ ઓઈલના સ્થાને રિફાઈનરો દ્વારા સોયાઓઈલની ખરીદી વધતા સપ્ટેમ્બરમાં પામ ઓઈલની આયાત ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. ભારત દ્વારા પામ ઓઈલની નીચી આયાતથી મલેશિયાના પામ ઓઈલ ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળશે જ્યારે અમેરિકન સોયાઓઈલ ફ્યુચર્સને ટેકો મળી રહેશે એમ બજારના સુત્રો માની રહ્યા છે.
ગત મહિનામાં પામ ઓઈલની આયાત ઓગસ્ટની સરખામણીએ ૧૫.૯૦ ટકા ઘટી ૮.૩૩ લાખ ટન રહ્યાનું પ્રાથમિક અંદાજમાં જણાય છે, જે મે બાદ સૌથી નીચી આયાત છે. ભારત વનસ્પતિ તેલનો મોટો ખરીદદાર દેશ છે.
સોયાઓઈલની આયાત ૩૭.૩૦ ટકા વધી ૫.૦૫ લાખ ટન રહી હતી જે જુલાઈ, ૨૦૨૨ બાદ સૌથી ઊંચી રહી છે. સનફલાવર ઓઈલની આયાત પણ પાંચ ટકાથી વધુ વધી ૨.૭૨ લાખ ટન સાથે આઠ મહિનાની ટોચે રહી છે.
સપ્ટેમ્બરમાં દેશની ખાધ્ય તેલની એકંદર આયાત ઓગસ્ટની સરખામણીએ સાધારણ ઘટી ૧૬.૧૦ લાખ ટન રહી હોવાનું પણ પ્રાથમિક અંદાજમાં જણાયું છે. પામ ઓઈલની નીચી આયાતને કારણે એકંદર આયાતમાં ઘટાડો થયો છે.
નેપાળ ખાતેથી થયેલી ડયૂટી ફ્રી આયાતને આ આંકમાં આવરી લેવાઈ નહી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
હાલમાં પામ ઓઈલના ભાવ ઊંચા પ્રવર્તી રહ્યા હોવાથી આયાતકારો સોયાઓઈલ પર પસંદગી ઢોળી રહ્યા છે. જૂન તથા ઓગસ્ટના ગાળામાં ઊંચી આયાતને પરિણામે દેશમાં પામ ઓઈલનો સ્ટોક તહેવારોની મોસમ પહેલા સાનુકૂળ સ્થિતિમાં છે.
તહેવારો દરમિયાન ભારતમાં ખાધ્ય તેલની માગમાં વધારો થતો હોવાથી તે પૂર્વેના કેટલાક મહિનામાં આયાતમાં વધારો જોવા મળે છે. ગયા મહિને ભારતે લાંબા ગાળા બાદ ચીન ખાતેથી પહેલી વખત ૧૧૦૦૦ ટન સોયા ઓઈલની આયાત કરી હતી.
ભારતની પામ ઓઈલની આયાત મુખ્યત્વે ઈન્ડોનેશિયા તથા મલેશિયા ખાતેથી થાય છે જ્યારે સોયાઓઈલની આયાત યુક્રેન, રશિયા, બ્રાઝિલ અને આર્જેન્ટિના ખાતેથી કરવામાં આવે છે.