મંદી વચ્ચે ટુ વ્હીલર્સ માટે આઉટલુક સ્ટેબલ પણ કાર તથા કોમર્શિઅલ વાહનો માટે સ્થિતિ નેગેટિવ
- બીએસ - ૬ ધોરણના અમલ બાદ ભાવમાં ૧૨ ટકા સુધીનો તોળાતો વધારો
મુંબઈ, તા. 04 જાન્યુઆરી 2020, શનિવાર
હાલમાં ચાલી રહેલી મંદી છતાં, ટુ વ્હીલર્સ ઓઈએમ (ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર્સ)નું આઉટલુક સ્ટેબલ જણાય રહ્યું છે જ્યારે ઊતારુ કાર્સ, કમર્સિઅલ વ્હીકલ્સ અને ઓટો કમ્પોનેન્ટસનું આઉટલુક નેગેટિવ જણાય રહ્યું છે.
આગામી એકથી દોઢ વર્ષ માટે ટુ વ્હીલર્સનું આઉટલુક સ્થિર જણાય છે. બીએસ-૬ ટ્રાન્ઝિશન છતાં ટુ વ્હીલર્સનું ભાવિ સ્થિર રહેવાની રેટિંગ એજન્સી ઈક્રાએ ધારણાં મૂકી છે. બીએસ-૬ ધોરણને કારણે ટૂંકા ગાળે વેચાણમાં ખલેલ પડવાની પણ શકયતા નકારાતી નથી.
આવક મંદ પડવા છતાં ટુ વ્હીલર્સ ઉત્પાદકોની ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત રહેવાની અપેક્ષા છે. ઘરઆંગણેની બજારમાં મંદ માગ મજબૂત નિકાસ વૃદ્ધિને કારણે આંશિક રીતે ભરપાઈ થઈ રહી છે. ડીસેમ્બરમાં ટુ વ્હીલર્સ ઉત્પાદકોનો એકંદર વેચાણ આંક વાર્ષિક ધોરણે ૧૩.૭૩ ટકા નીચે રહ્યો છે. ટુ વ્હીલર્સના વોલ્યુમમાં સતત ૧૩માં મહિને ઘટાડો નોંધાયો છે.
ગ્રામ્ય બજારોમાં ગ્રાહકોના નબળા માનસ, વાહન ધરાવવા પાછળના ખર્ચમાં વધારો, ધિરાણ મેળવવામાં મુશકેલી જેવા પરિબળોને કારણે વેચાણ પર અસર પડી રહી હોવાનું જણાય રહ્યું છે.
બીએસ - ૬ ધોરણના અમલ બાદ ભાવમાં ૧૨ ટકા સુધીનો વધારો તોળાઈ રહ્યો છે ત્યારે ઓઈએમ્સ નાણાં વર્ષ ૨૦૨૦ના ચોથા ત્રિમાસિકમાં ખરીદીમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ આગામી નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં માગ મંદ રહેવા ધારણાં છે.
આર્થિક મંદી વચ્ચે રિટેલ માગ નીચી રહેતા ઉતારુ કાર માટે ઈક્રાએ નેગેટિવ આઉટલુક મૂકયું છે. તહેવારોની મોસમ દરમિયાન ઊંચા ડિસ્કાઉન્ટ છતાં વેચાણ વોલ્યુમ આકર્ષક રહ્યું નથી.
કમર્સિઅલ વ્હીકલ્સ માર્કેટ માટે પણ ઈક્રાએ નેગેટિવ આઉટલુક જાળવી રાખ્યું છે. કમર્સિઅલ વ્હીકલ્સમાં હાલમાં આમપણ ઓવર કેપેસિટી જોવા મળી રહી છે.