બજાર માટે FIIનો આઉટફલો તથા યુદ્ધની સ્થિતિ સંવત 2081ના મોટા પડકાર
- સંવત ૨૦૮૦માં વિદેશી રોકાણકારોની રૂ.૧.૯૪ લાખ કરોડની વેચવાલી
મુંબઈ : વળતરની દ્રષ્ટિએ બીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફટીએ સંવત ૨૦૮૦ માં ભલે ૨૩ ટકાથી વધુ વળતર પૂરા પાડયા હોય પરંતુ સમાપ્ત થઈ રહેલા ૨૦૮૦ના અંતિમ ભાગમાં એટલે કે ઓકટોબરમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિકરાજકીય તાણ તથા ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની જંગી વેચવાલીએ રોકાણકારોનું માનસ બગાડયું છે.
૨૦૨૪ના અત્યારસુધીના ગાળામાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત ૨૦૮૧માં પ્રવેશી રહ્યા છે ત્યારે દેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તાણ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા ઊંચા વ્યાજ દર જેવા જોવા મળી રહ્યા છે.
સંવત ૨૦૮૦નો પ્રારંભ ૧૨ નવેમ્બર, ૨૦૨૩થી થયો હતો. નવેમ્બર, ૨૦૨૩થી ૨૮ઓકટોબર, ૨૦૨૪ના ગાળા સુધીમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસ કેશમાં નેટ રૂપિયા ૧૯૪૪૨૩.૪૧ કરોડની વેચવાલી કરી છે.
રૂપિયા એક લાખ કરોડથી વધુની વેચવાલી તો વર્તમાન મહિનામાં જ જોવા મળી છે. ભારતમાંથી એફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. સંવત ૨૦૮૧માં પણ આ આઉટફલોસ જળવાઈ રહેવાની શકયતા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો સંવત ૨૦૮૧માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે.
બેન્કો તથા આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે.ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે દેશમાં ફુગાવો હજુ ચાર ટકાના અપેક્ષિત સ્તર સુધી પહોંચ્યો નથી.ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત ૨૦૮૧માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે એમ વિશ્લેષકે ઉમેર્યું હતું.