ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ
- TCSની બ્રાન્ડ વેલ્યુ વધીને ૫૭.૩ બિલિયન ડોલર ભારતમાં સૌથી મૂલ્યવાન અને વૈશ્વિક સ્તરે ૪૫મી બ્રાન્ડ
- HDFC બેંક, એરટેલ અને ઇન્ફોસિસનો આ યાદીમાં સમાવેશ
અમદાવાદ : ટોચની મૂલ્યવાન ૧૦૦ બ્રાન્ડ્સમાં ફક્ત ૪ ભારતીય કંપનીઓ સામેલ છે. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની બ્રાન્ડ વેલ્યુ વધીને ૫૭.૩ બિલિયન ડોલર થઈ ગઈ છે, જે તેને ભારતમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ અને વૈશ્વિક સ્તરે ૪૫મી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બનાવે છે. કાંતાર બ્રાન્ડ્ઝના અહેવાલ મુજબ, કંપનીએ ગયા વર્ષે તેની બ્રાન્ડ વેલ્યુમાં ૨૮ ટકાનો વધારો નોંધાવ્યો છે.
ટીસીએસ એ સમગ્ર વિશ્વમાં તેની બ્રાન્ડ ઇક્વિટી, જાગૃતિ અને અનુકૂળતામાં વધારો જોયો છે. ગયા વર્ષે, કંપની ૪૧.૨ બિલિયન ડોલરના બ્રાન્ડ મૂલ્ય સાથે કાંતાર બ્રાન્ડ્ઝ રિપોર્ટમાં ૪૬મા સ્થાને હતી. મોમેન્ટમ- ITSMAના અન્ય એક અહેવાલમાં, ૨૬ દેશોમાં તેના બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સાથે, ટીસીએસ એ ૯૫ ટકા સહાયિત બ્રાન્ડ જાગૃતિ દર્શાવી હતી.
કંતાર બ્રાન્ડ્ઝ રિપોર્ટ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સને ક્રમ આપે છે. આ યાદીમાં એપલ ૧.૨૯ ટ્રિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ટોચ પર છે, ત્યારબાદ ગૂગલ અને માઇક્રોસોફ્ટ અનુક્રમે ૯૪૪ બિલિયન ડોલર અને ૮૮૪ બિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આવે છે.
ટીસીએસ એકમાત્ર ભારતીય કંપની છે જેને વિશ્વની ટોચની ૫૦ સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સ્થાન મળ્યું છે. ૩ અન્ય ભારતીય કંપનીઓએ ટોચના ૧૦૦ સૌથી મૂલ્યવાન વૈશ્વિક બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. તેમાં લ્લઘખભ બેંક ૪૪.૯ બિલિયન ડોલરના બ્રાન્ડ મૂલ્ય સાથે ૫૬મા ક્રમે છે. એરટેલ ભારતની ત્રીજી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે જેની બ્રાન્ડ વેલ્યુ ૩૭ બિલિયન ડોલર છે અને તે ૬૬મા સ્થાને છે, ત્યારબાદ ઇન્ફોસિસ ૩૩ બિલિયન ડોલર બ્રાન્ડ વેલ્યુ સાથે ૭૩મા સ્થાને છે.