Get The App

ડીસા માર્કેટમાં ડુંગળી ઓલટાઈમ હાઈ સપાટીએ : સંગ્રહખોરો પર ITની તવાઈ

ગુજરાતમાં ડુંગળી ૨૦ કિલો દીઠ રૂા. ૧૦૦૦/૨૦૦૦

- સરકાર દ્વારા બફર સ્ટોક ઉભો કરવા સુચના : ભાવ હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરતા ટ્રેડર્સ

Updated: Dec 3rd, 2019

GS TEAM

Google News
Google News
ડીસા માર્કેટમાં ડુંગળી ઓલટાઈમ હાઈ સપાટીએ : સંગ્રહખોરો પર  ITની તવાઈ 1 - image

અમદાવાદ, તા. 03 ડિસેમ્બર 2019, મંગળવાર

ગત સપ્તાહે દેશાવરોના બજારમાં ડુંગળીના ભાવ ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદ આજે ગુજરાતના ડુંગળીના મુખ્ય માર્કેટ સમાન ડીસા ખાતે પણ ડુંગળી ૨૦ કિલો દીઠ રૂા. ૧૦૦૦/૨૦૦૦ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે. જો પ્રતિકૂળ સ્થિતિ જારી રહેશે તો આગામી સમયમાં ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે તેમ ડીસા માર્કેટના સુત્રોએ જણાવ્યું હતું.

ડીસા માર્કેટના આગેવાન વેપારી શંકરભાઈ માળીના જણાવ્યા મુજબ ડીસા માર્કેટમાં આજે ડુંગળી ૨૦ કિલો દીઠ રૂા. ૧૦૦૦/૨૦૦૦ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. ભૂતકાળમાં ડુંગળીના આટલા ઊંચા ભાવ ક્યારેય જોવા મળ્યા ન હતા. અત્રે માર્કેટમાં ક્વીન્ટલ દીઠ રૂા. ૫૦૦૦/૧૦૦૦૦ના ભાવ બોલાઈ રહ્યા છે. પ્રવર્તમાન સંજોગો જોતા આગામી સમયમાં આ ભાવ ઊંચા જવાની શક્યતા છે.

દેશાવરના બજારોની વાત કરીએ તો, મહારાષ્ટ્રના કલવાન માર્કેટમાં હરાજી દરમિયાન ડુંગળીનો ભાવ ક્વીન્ટલ દીઠ વધીને રૂ. ૧૧૦૦૦ બોલાયો હતો. જ્યારે નાસિક જથ્થાબંધ માર્કેટમાં કિલો દીઠ રૂા. ૧૧૦ની સપાટી કુદાવી ગયો છે. જેના પગલે દેશના માટે ભાગના શહેરોમાં ડુંગળીના રીટેલ ભાવ કિલો દીઠ રૂા. ૮૦ થી ૧૦૦ની ઉપર ચાલી રહ્યા છે.

ડુંગળીના ઉંચા ભાવના પગલે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. દિલ્હી ખાતે મળેલ એક તાકિદની બેઠકમાં સરકારે રાજ્ય સરકારોને ડુંગળીના સંગ્રહખોરો સામે આકરા પગલાં ભરવા સુચના આપી છે. આ ઉપરાંત તમામ રાજ્ય સરકારોએ બફર સ્ટોક ઉભો કરવા તેમજ કિફાયતી કિંમત પર આયાત કરાયેલ એડિબલ બલ્બ (કાચી ડુંગળી)નું વિતરણ કરવા આદેશ આપ્યો છે.

આ સુચનાને આધિન રહીને તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્ય પ્રદેશના મોટા ટ્રેડર્સને ત્યાં સર્ચ-સર્વે ઓપરેશન હાથ ધરાયું હતું.

વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ આગામી ૧૫ ડિસેમ્બર બાદ નવા પાકની આવકોની શરૂઆત થશે. હાલ દેશભરના વેપારીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશની નવી આવકો તરફ મીટ માંડીને બેઠા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને મોટાપાયે નુકસાન થયેલ છે.

૪૦૦૦ ટન ડુંગળીની અછતના કારણે વધતા ભાવ

વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ દૈનિક ડુંગળીની ૧૦૦૦ ગાડીની જરૂર હોય છે. તેની સામે હાલ ૫૦૦થી ૬૦૦ ગાડી ભરી માલ આવે છે. એક ગાડીમાં ૧૦ ટન જેટલો માલ હોય છે. આમ, ૪૦૦૦ ટન જેટલી ડુંગળીની અછતના કારણે તેના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે.

આગામી સમયમાં નવો પાક બજારમાં આવશે તે પછી ડુંગળીના ભાવ નીચા ઉતરશે તેમ આ વર્તુળોએ જણાવ્યું હતું.

Tags :