હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે
- સોના-ચાંદી સ્થિર : ઓછા પૂરવઠાથી ક્રુડમાં આગેકૂચ
મુંબઈ : ૨૦૨૫ના બીજા ત્રિમાસિકમાં અમેરિકામાં આર્થિક વિકાસ દરમાં અપેક્ષા કરતા ઝડપી વધારો અને બેરોજગારીના દાવામાં ઘટાડા બાદ વિશ્વ બજારમાં સપ્તાહ અંતે કિંમતી ધાતુમાં ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા હતા. સોનાની સરખામણીએ પ્લેટિનમમાં નોંધપાત્ર આકર્ષણ જોવા મળ્યું હતું.
પ્લેટિનમના ભાવ હાલમાં ૧૧ વર્ષની ટોચે બોલાઈ રહ્યા છે. ઘરઆંગણે પણ સોનાચાંદીના ભાવમાં ઊંચા મથાળે સ્થિરતા જળવાઈ રહી હતી. ક્રુડ તેલમાં પણ આગેકૂચ જારી રહી હતી. ફયુચર્સમાં સટોડિયાઓની લેવાલી વચ્ચે હાજરમાં ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે. ઓપેક દ્વારા ટાર્ગેટ કરતા ઓછો પૂરવઠો કરાતા ભાવને ટેકો મળ્યો હતો.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૩,૨૬૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૨,૮૦૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૩૮,૧૦૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૭,૭૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૭,૪૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૦,૦૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૭૬૧ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૪૫.૫૦ ડોલર મુકાતી હતી. સોના બાદ હેજ ફન્ડોનું પ્લેટિનમમાં આકર્ષણ નીકળતા ભાવ વધી ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. મોડી સાંજે પ્રતિ ઔંસ ૧૫૫૦ ડોલર જ્યારે પેલેડિયમ ૧૨૬૯ ડોલર મુકાતુ હતું.
ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) અને સાથી પક્ષો દ્વારા ક્રુડ તેલના ટાર્ગેટ કરતા ઓછા પૂરવઠા તથા અમેરિકામાં ઈન્વેન્ટરી ઘટીને આવતા ક્રુડ તેલના ભાવ સુધારા તરફી ચાલુ રહ્યા હતા. ફયુચર્સમાં સટોડિયાઓની લેવાલી વચ્ચે હાજરમાં પણ ભાવ ઊંચા મુકાતા હતા.
નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૬ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૯.૫૦ ડોલર મુકાતું હતું. નાયમેકસ ક્રુડ ઓઈલ ઉપરમાં ૬૫.૫૦ ડોલર જોવા મળ્યું હતું.