હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે
- દવાઓ બનાવવા માટે બ્રિટનથી અંદાજે ૧૫૬૦થી વધુ એપીઆઈ કે ફાર્મા કેમિકલ્સની આયાત પરની ૧૦થી ૨૦ ટકા જેટલી આયાત ડયૂટીમાં રાહત મળશે
- બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં બલ્કડ્રગની આયાત પરની ૧૦થી ૨૦ ટકા ડયૂટી માફ
અમદાવાદ : બ્રિટનની સરકાર સાથે ૨૪મી જુલાઈએ થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ-એપીઆઈ એટલે કે બલ્ક ડ્રગની આયાત પર ચૂકવવી પડતી દસથી વીસ ટકા જેટલી આયાત ડયૂટીમાંથી મુક્તિ મળી જશે. પરિણામે ભારતમાં બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા એપીઆઈમાંથી બનતી તૈયાર દવાઓના નિકાસના ભાવ નીચા આવશે અને ભારતીય ઉત્પાદકોની નિકાસના બજારમાં સ્પર્ધાત્મકતા વધી જશે. પરિણામે સમગ્રતયા બ્રિટનમાં ભારતની દવાઓની નિકાસ વધશે. એપીઆઈ અને ફાર્મા કેમિકલ્સની આયાત કરનારાઓને ખાસ્સો ફાયદો થશે. દેશમાં કુલ ૧૫૬૦થી જેટલી એપીઆઈ કેમિકલ્સની આયાત કરવામાં આવે છે.
ભારતના ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ વિરંચિ શાહનું કહેવું છે કે આમ તો બ્રિટનમાં નિકાસ કરવામાં આવતી દવાઓ પર પહેલા પણ કોઈ ડયૂટી નહોતી. તેથી દવાની નિકાસ પર નહિ, પરંતુ એપીઆઈ-બલ્ક ડ્રગની આયાત સસ્તી થઈ જશે. સમગ્રતયા તેની અસર હેઠળ ગુજરાતના ફાર્મા ઉદ્યોગની નિકાસમાં વધારો થવાની સંભાવના છે.
ભારતની જેનરિક, બાયોસિમિલર દવાઓ હવે કોઈપણ જાતની ડયૂટી વિના બ્રિટનના બજારમાં પ્રવેશી શકશે. નવા કરારને પરિણામે ભારતમાંથી દવાની નિકાસમાં અંદાજે ૧૨થી ૧૫ ટકાનો વધારો થશે.
ગુજરાતમાં ભારતના દવાના કુલ ઉત્પાદનમાંથી ૩૩ ટકા દવાઓનું ઉત્પાદન થાય છે. તેમ જ બ્રિટનમાં દવાઓની ભારતમાંથી થતી કુલ નિકાસમાંથી ૨૮ ટકા દવાઓની નિકાસ ગુજરાતમાંથી થાય છે. હવે આ નિકાસકારોને દવાઓની નિકાસ કરવામાં ઓછોમાં ઓછા અવરોધ નડશે.
વેપાર માટેના અવરોધો હટી જતાં ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા પાસેથી અને સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી પાસેથી પણ સરળતાથી પ્રમાણપત્રો મળી જશે. બ્રિટનમાં દવાઓની નિકાસ કરવા માટે ફાસ્ટ ટ્રેક એપ્રુવલ મળી જવાની સંભાવના રહેલી છે.
તેને પરિણામે ગુજરાતના નિકાસકારોએ બ્રિટનમાં દવાની નિકાસ માટે કરવી પડતી પ્રક્રિયામાં ખર્ચાતા સમય અને નાણાંમાં ખાસ્સો ઘટાડો થઈ જશે. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન મેળવવું પણ એટલું જ સરળ બની જશે. ફાર્મા ઉદ્યોગને માટે આ સુવિધા વરદાનરૂપ સાબિત થશે. ગુજરાતમાં બનતી ૯૯ ટકા દવાઓની નિકાસ સરળ બની જશે.
ગુજરાતમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી ધરાવતા અંદાજે ૧૩૦ યુનિટ સક્રિય છે. જમ્બુસરના બલ્કડ્રગના ઝોનમાં, બાયોટેક પાર્કમાં, અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વરમાં આ પ્રકારના એકમો સક્રિય છે. સનફાર્મા, કેડિલા, ઝાયડસ અને ટોરેન્ટ ફાર્મા જેવી કંપનીઓને તેના થકી ખાસ્સો ફાયદો થવાની સંભાવના છે.
આ કંપનીઓને એફટીએને કારણે તત્કાળ લાભ મળશે. ૨૦૨૪ના નાણાંકીય વર્ષ દરમિયાન ભારતની બ્રિટન ખાતેની દવાઓની નિકાસમાં ૧૨.૬ ટકાનો વધારો થયો હતો. આ વધારો હવે ૧૫ ટકાની સપાટીને વળોટી જાય તેવી શક્યતાને નકારી શકાતી નથી.
એફટીએ-ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ગુજરાતના નિકાસકારો માટે હવે નવી તક નિર્માણ થઈ છે. દવાના નિકાસના જથ્થામાં અને તેના થકી થનારી આવક, બંનેમાં વધારો થઈ જવાની સંભાવના છે.
ગુજરાતની કંપનીઓ દવાઓની બ્રિટનમાં જ નિકાસ કરવાના લક્ષ્યાંક સાથે જ અમદાવાદ, અંકલેશ્વર કે વડોદરામાં તેમના એકમો ચાલુ કરી દેવા જોઈએ. તેને પરિણામે તેઓ મોટા પાયા પર તેનું ઉત્પાદન ચાલુ કરી શકશે. ફાસ્ટ ટ્રેકમાં તેઓ તેમની મંજૂરીઓ મેળવી શકે છે.
સ્પર્ધાત્મક દરે બેસ્ટ ક્વોલિટીની દવાઓનું ઉત્પાદન કરી શકશે. જેનરિક દવાઓના ઉત્પાદનમાં ભારતની કુશળતા જગજાહેર છે. તેનો લાભ પણ લઈ શકશે. ગુજરાતમાં દવાઓના મેન્યુફેક્ચરિંગની સારામાં સારી સુવિધા છે તેનો પણ લાભ ઊઠાવી શકાશે.