અનિલ અંબાણી સામે એક પણ કેસ નહી, જલસા કરે છે
- ચાર કંપનીઓ નાદારીની કોર્ટમાં, એક લાખ કરોડનું બેંકોનું દેવું છતાં
- સેબીની તપાસમાં દોષિત, સ્ટેટ બેન્કે ખાતું ફ્રોડ જાહેર કર્યું પણ અનિલ અંબાણી સામે એકપણ છેતરપીંડીનો કેસ નથી થયો!
અમદાવાદ : દોઢ દાયકા અગાઉ અભિનેત્રી પત્નીને રૂ. ૪૦૦ કરોડની યાચ (લકઝરીયસ બોટ) ભેટ આપનાર, પોતાની વિવિધ કંપનીઓની રૂપિયા એક લાખ કરોડની લોન ભરપાઈ નહી કરી સામે ચાલીને નાદારી કોર્ટમાં પહોંચી જનાર અનિલ અંબાણીના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. અનિલ અંબાણી બેંકો સમક્ષ, લંડન કોર્ટમાં એવી વાત કરે છે કે હવે પોતાની પાસે ફદિયું પણ નથી અને પત્નીના ઘરેણા વેચી ઘર ચલાવી રહ્યા છે પણ હજુ તે ૧૬,૦૦૦ ચોરસફૂટની, ૧૭ માળની આલીશાન ઈમારતમાં પશ્ચિમ મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં વસવાટ કરે છે.
લીકર બેરોન વિજય માલ્યા, જ્વેલરી ટાયકુન નિરવ મોદી અને મેહુલ ચોકસી કે પછી સાંડેસરા બંધુ હોય કે લલિત મોદી અબજો રૂપિયાના કૌંભાંડ કરી તેઓ વિદેશી ભાગી ગયા છે. તેમની સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઇડી) જેવી એજન્સીઓએ કેસ કર્યા છે. તેમની સામે દેશની વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહી રહ્યા છે. દેવાની વસૂલાત માટે માત્ર ભારત નહિ વિદેશી સરકારોની મદદ લેવામાં આવી રહી છે અને પ્રત્યાર્પણ માટે કામગીરી ચાલી રહી છે.
પરંતુ, અનિલ અંબાણીને આ બધી જ ભાંગજડમાંથી મુક્તિ છે. તે છૂટથી હરી ફરી શકે છે, જેલમાં નથી અને તેની સામે કોઈ એજન્સી ક્રિમીનલ તપાસ કરી રહી નથી. કારણ કે, દેવું નહી ભરી તેણે સામે ચાલીને ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી)માં નાદારી નોંધાવી છે. વિવિધ ફાઈનાન્સિયલ અને ઓપરેશનલ લેણદારો નાદારીના આ કેસમાં પોતાની લેણી રકમ માટે દાવો કરી રહ્યા છે પણ કોઈને એક રૂપિયો હજુ મળ્યો નથી. ક્યારે મળશે એ સવાલ છે? કેટલા મળશે એ સવાલ છે?
નાદારીનો કાયદો બિઝનેસમેનને પોતે ચોર નથી પણ ધંધાના જોખમના કારણે ખોટ ગઈ છે એવું સમજી ક્રિમીનલ કે અન્ય કાર્યવાહીથી મુક્તિ આપે છે! આ મુક્તિનો સંપૂર્ણ લાભ અનિલ અંબાણી ઉઠાવી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એક સમયે અંબાણી જૂથ માટે જે ઘર હતું તે ૧૭ માળની, પાલી હિલ્સ વિસ્તારમાં આવેલી ઈમારતમાં અનિલ અંબાણી, તેની પત્ની ટીના અને બન્ને પુત્રો રહે છે. આ મકાન ૧૬,૦૦૦ ચોરસફૂટમાં પથરાયેલું છે અને તેની બજાર કિંમત લગભગ રૂ.૪,૦૦૦ કરોડ આંકવામાં આવેલી છે. આ ઉપરાંત, આ મકાનમાં એક હેલીપેડ છે જેના ઉપર બે હેલીકોપ્ટર પાર્ક કરેલા જોવા મળે છે જેનો ઉપયોગ આ નાદાર અનિલ અંબાણી કરે છે.
તાજેતરમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સના એક કેસમાં શેરબજારના નિયમનકાર સેબીએ અનિલ અંબાણી ઉપર ત્રણ વર્ષના પ્રતિબંધની જાહેરાત કરેલી છે.
આ કેસનો ઓર્ડર જણાવે છે કે ખુદ અનિલ, તેના સહયોગીઓ અને તેના જૂથની કંપનીઓએ મળી રૂ.૮,૦૦૦ કરોડની લોન મેળવી હતી. આ લોન અરજીના દિવસે સાંજે મંજુર થાય, તેના બીજા દિવસે ટ્રાન્સફર થાય એ રીતે લેવામાં આવી હતી અને આ લોનમાંથી એકપણ લોન ક્યારેય ભરપાઈ થઇ નથી.
અનિલ અંબાણીની એક સમયની સૌથી મોટી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે પણ નાદારીનો કેસ છે. ટેલીકોમ ક્ષેત્રે આવેલી સ્પર્ધામાં નહી ટકી શકતા લગભગ રૂ.૬૬,૦૦૦ કરોડના દેવા સાથે આ કંપની બંધ થઇ ગઈ.
આ કંપની ટી ટાવર અને ઓપ્ટીકલ ફાઈબર સેવાઓ આપતી પેટા કંપની રિલાયન્સ ઇન્ફ્રાટેલના રૂ.૫,૫૦૦ કરોડના નાણાકીય વ્યવહાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 'ફ્રોડ' જાહેર કરતા તેની બોલી અટકી પડી છે. ૧૭ મહિનાથી આ કેસનો કોઈ ઉકેલ આવતો નથી.
નાદારીના કાયદામાં અનિલ અંબાણી સામે લોન વસૂલાત માટે કોઈ કાર્યવાહી થઇ શકે નહી પણ છેતરપીંડી, ફ્રોડ અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતી સામે તો ચોક્કસ કેસ થઇ શકે પણ હજુ સુધી એકપણ કેસ થયો નથી.
આવું કેમ ચાલી રહ્યું છે તે સવાલ કોર્પોરેટ જગતમાં લાંબા સમયથી ગુંજી રહ્યો છે પણ તેનો કોઈ સ્પષ્ટ જવાબ હજુ મળ્યો નથી.
કંપનીનું નામ |
બાકી લેણા રૂ.
કરોડ |
રિલાયન્સ નેવલ
એન્જીનીયરીંગ |
૧૨,૪૨૯ |
રિલાયન્સ કોમ્યુનિકેશન |
૬૬,૦૦૦ |
રિલાયન્સ
કેપિટલ |
૨૫,૩૩૦ |
કુલ દેવું |
૧,૦૩,૭૫૯ |