NMACC દ્વારા ન્યૂયોર્કમાં થશે 'ઈન્ડિયા વીકેન્ડ'નું આયોજન, ગરબાથી લઈને શાસ્ત્રીય સંગીત થકી ભારતીય સંસ્કૃતિ પ્રસ્તુત કરાશે
NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) દ્વારા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઈન્ડિયા વીકેન્ડ' યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 12થી 14 સપ્ટેમ્બર, 2025 સુધી આ મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં સંગીત, રંગમંચ, ફેશન અને ભારતીય પરંપરાઓ પ્રસ્તુતિ કરાશે.
આ અવસર પર નીતા અંબાણીએ કહ્યું છે, કે 'અમે પહેલીવાર ન્યૂયોર્ક શહેરમાં ઈન્ડિયા વીકેન્ડ કાર્યક્રમને લઈને ઉત્સાહિત છીએ. ભારતના સાંસ્કૃતિક વારસા, કળા, શિલ્પ, સંગીત, નૃત્ય, ફેશન અને ભોજનને વૈશ્વિક ઉત્સવ બનાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ ડિઝાઇન કરાયો છે. હું ન્યૂયોર્ક શહેર અને દુનિયા સમક્ષ આપણી સમૃદ્ધ પરંપરા પ્રસ્તુત કરવા માટે ઉત્સાહિત છું.
વીકેન્ડની શરૂઆતમાં ડેવિડ એચ. કોચ થિયેટરમાં ભારતના સૌથી મોટા ડ્રામા મેકિંગ 'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન'નું યુ. એસ. પ્રીમિયર કરવામાં આવશે. 100થી વધુ કલાકારો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા વસ્ત્રો પહેરશે. સંગીતમાં અજય-અતુલ, કોરિયોગ્રાફીમાં મયૂરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ જેવા કલાકારો સામેલ હશે.
ઉદ્ઘાટનની રાત્રે આમંત્રિત લોકો માટે રેડ-કાર્પેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રેડ કાર્પેટ પર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર 'સ્વદેશ ફેશન શો' પણ કરવામાં આવશે. સાથે જ જાણીતા શેફ વિકાસ ખન્ના હાથે તૈયાર કરાયેલા વ્યંજનોની મદદથી પ્રાચીનથી આધુનિક ભારતની યાત્રા રજૂ કરશે.
ઈન્ડિયા વીકેન્ડમાં ડેમરોશ પાર્કમાં 'ઈન્ડિયન બજાર' પણ ખોલવામાં આવશે જેમાં ભારતીય ફેશન, વસ્ત્ર અને સંગીતનો અનુભવ આપશે. દરરોજ ભજન, મંત્રોચ્ચાર અને ગીતા પાઠ સાથે કાર્યક્રમ શરૂ થશે. યોગ માટે વર્કશોપ તથા બોલિવૂડ નૃત્ય પણ દર્શાવાશે.
13 સપ્ટેમ્બરે પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ગરબા અને દાંડિયા રાસનું વિશેષ આયોજન કરવામાં આવશે. છેલ્લા દિવસે સિતાર વાદક રિષભ શર્મા શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરશે. 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઈન્ડિયા વીકેન્ડ' કાર્યક્રમનું સમાપન ફૂલોની હોળી સાથે કરાશે.